જન નાયક ભગવાન બિરસામુંડાની 148 મી જન્મ જ્યંતી નિમિતે ભરૂચ જીલ્લાકક્ષાની ઉજવણીનું ભવ્ય આયોજન નેત્રંગ તાલુકામાં કરાયું હતું.આદિવાસી સમાજ અને કોંગ્રેસી આગેવાનો દ્વારા આજે જનનાયક ભગવાન બિરસામુંડાની જન્મ જ્યંતીએ નેત્રંગમાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી.આદિવાસી પેહરવેશ,પરંપરાગત વાધ્યો,નૃત્ય અને ડી.જેના તાલે ભરૂચ,નર્મદા ઉપરાંત સમગ્ર આદિવાસી પટ્ટા પરથી માનવ મહેરામણ ઉમટી પડતા નેત્રંગ તાલુકો ઉજવણીના રંગે રંગાઈ ગયું હતું.
કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણ,વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિતના આદિવાસી આગેવાનોની ઉપસ્થિતિમાં બીરસામુંડાની તસ્વીરને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.નેત્રંગના 96 ગામો અને કોંગ્રેસ દ્વારા બનાવાયેલી સમિતિ દ્વારા બિરસમુંડાની પ્રતીમાને ચાર રસ્તા ખાતે અનાવરણને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ ભરૂચ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો હતો.જેમાં 1 ડીવાયએસપી, 1 પીઆઈ, 3 પીએસઆઈ અને 117 પોલીસ જવાનોને મુકવામાં આવ્યા હતા.
નેત્રંગ નગરના તમામ માર્ગો ઉપર ઉજવણી અને રેલીના ધમધમાટ વચ્ચે આદિવાસી સમાજનું ઘોડાપુર જોવા મળ્યું હતું.હજારો આદિવાસી ભાઈઓએ કલાકો સુધી મનમૂકીને ઝૂમી જનનાયકની જન્મ જ્યંતીના વધામણાં કર્યા હતા.