(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના રાજપારડી જીએમડીસી પડવાણીયા થઈ ધારોલીને જોડતા સ્ટેટ હાઈવેનું કામ છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં હોય રાજેશ ભગત નામના જાગૃત નાગરિકે કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ ભરૂચ ને તા. ૧૯.૨.૨૩ ના રોજ લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે આ સ્ટેટ હાઈવે રોડનું કામ છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં છે અને ત્યાંના સ્થાનિકો અવર-જવર કરતા લોકોને ખૂબ હાડમારી ભોગવવી પડે છે અને તેને લઈ અકસ્માતો પણ થઈ રહ્યા છે.જાગૃત નાગરિક રાજેશ ભગતના રજૂઆતના પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેમને લેખિતમાં જણાવ્યું હતું કે માર્ગ અને મકાન વિભાગ હસ્તકનું કામ વાયડનીગ એન્ડ સ્ટ્રેન્ધનીગ ઓફ ધારોલી પડવાણીયા રોડ (ધારોલી વિલેજ ટુ રાજપારડી વિલેજ જોઈનિંગ રોડ) ૨૦૨૧-૨૨ તા. ૧૬.૬.૨૧ થી અંબિકા કન્સ્ટ્રક્શન સુરતને આપવામાં આવેલ હતુ.જે અન્વયે કામ પૂર્ણ કરવાની તા. ૧૫.૬.૨૨ નિર્ધારિત થયેલ,આ કામનો શરૂ કરવાનો આદેશ કચેરીના પત્ર તા.૧૬.૬.૨૧ થી આપવામાં આવેલ હતો.ત્યાર બાદ કામ મુળ સમય મર્યાદામાં શરૂ કરી પૂર્ણ કરી શકાય તેમ ન હતું.પરંતુ ઈજારાદાર દ્વારા કામ શરૂ કરવામાં આવેલ ન હતું.જેથી પેટા વિભાગે કચેરી તરફથી રૂબરૂ ટેલીફોન તેમજ લેખિતમાં કામ ચાલુ કરવા અવારનવાર જાણ તેમજ નોટિસો આપવામાં આવેલ હતી તેમ છતાં અંબિકા કન્સ્ટ્રક્શન દ્ધારા કામ શરૂ કરવામાં આવ્યું ન હતું જેથી પેટા વિભાગના ઉપરોક્ત સંદર્ભપત્રથી ઈજારાદાર પાસે માંગવામાં આવેલ સ્પષ્ટ અભિપ્રાય નો કોઈ પણ પ્રત્યુતર તેમના દ્વારા આપવામાં આવ્યો ન હતો તેમજ કામની સમય મર્યાદા તા. ૧૫.૬.૨૨ ના રોજ પૂર્ણ થઈ ગયેલ હતી.વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઈજારદાર દ્વારા સદર કામગીરી સમય મર્યાદામાં શરૂ કરી પૂર્ણ કરતા અને કામગીરી કરવા માટે કોઈપણ જાતનું વલણ ના દાખવતા કામગીરી માંથી ઈજારાદાર અંબિકા કન્સ્ટ્રક્શન સુરતને ટર્મિનેટ કરવામાં આવ્યા હતા.તેમજ ઈજારાદારના જમીન અનામત રૂપિયા ૧,૩૫,૦૦,૩૧૬ (એક કરોડ પાંત્રીસ લાખ ત્રણસો સોળ) અંદાજિત કિંમતના ૧૦ ટકા મુજબ વસૂલ કરવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે આ કામગીરી માટે હવે નવેસરથી ટેન્ડરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને ટેન્ડરની કાર્યવાહી પૂર્ણ કરી ફરીથી ટૂંક સમયમાં રાજપારડી થી ધારોલી સ્ટેટ હાઈવે રોડની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના અનેક વિસ્તારોમાં ઈજારદારો ની આવી બેદરકારીની તપાસ કરવામાં આવે તો સામે આવી શકે છે પરંતુ અહી સમસ્યા એ છે કે જવાબદાર માર્ગ અને મકાન વિભાગ ના પાળેલા પોષેલા ઈજારદારો સામે તપાસ કરશે કોણ?