ભરૂચ,
સવાર તેમજ સંધ્યાકારના સમયે પક્ષીઓની ઉડાઉડ વચ્ચે પણ ભરૂચ જીલ્લામાં પતંગ રસીકોએ પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની મજા માણી હતી.પરંતુ પતંગ રસિકોની આ મજાના કારણે કેટલાય પક્ષીઓ ઈજાગ્રસ્ત થવા સાથે મોતને પણ ભેટયા છે.જેમાં ભરૂચ જીલ્લામાં ૪૬ પક્ષીઓ પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થતા ૧૨ પક્ષીઓ મોતને ભેટ્યા હતા જેમાં ૨ વિદેશી પક્ષી પીળી ચાંચ ઢોંક હોવાના અહેવાલો મળી રહ્યા છે.સમગ્ર પર્વ દરમ્યાન વન વિભાગ દ્વારા પણ કલેક્શન સેન્ટરોની મુલાકાત લેવામાં આવી હતી.
ભરૂચ જીલ્લામાં ઉત્તરાયણ પર્વની વહેલી સવારથી જ પતંગ રસિકો ધાબા ઉપર ચઢી પર્વની ઉજવણી કરતા આકાશો રંગબેરંગી પતંગોથી ઉભરાયા હતા. તો બીજી તરફ સવાર તેમજ સંધ્યાકારના સમયે કેટલાય પક્ષીઓ પોતાના બચ્ચાઓ માટે ખોરાકની શોધમાં નીકળતા હોય છે અને સવાર – સાંજ પક્ષીઓની ઉડાઉડ વચ્ચે પણ પતંગ રસીકોએ પતંગ ચગાવી મજા માણતા કેટલાય પક્ષીઓને ઘાયલ કર્યા હતા.ત્યારે પતંગની દોરીમાં પાંખ,પગ,ચાંચ અને ગળું કપાઈ જવાના કારણે આ વર્ષે ૧૨ પક્ષીઓના મોત થયા હતા.જ્યારે ૪૬ પક્ષીઓ ઈજાગ્રસ્ત બન્યા હતા અને તેમાંય ૨ વિદેશી પક્ષી પીળી ચાંચ ઢોંકના મોત થતા તમામ મૃત પક્ષીઓની દફનવિધિ પણ કરવામાં આવી હતી.
ઉત્તરાયણ પર્વને લઈને ભરૂચ સામાજીક વનીકરણ અને પશુ દવાખાના દ્વારા જીલ્લામાં ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે સારવાર કેન્દ્ર,કલેક્શન સેન્ટર સહિત વિવિધ જીવદયા સંસ્થાઓ દ્વારા સારવાર આપવામાં આવી રહી હતી.જીલ્લામાં ઉભા કરવામાં આવેલા કલેક્શન સેન્ટર ની પણ આર.એફ.ઓ ડી વી ડામોર સહીત તેઓની ટિમ દ્વારા ભરૂચના કસક,શક્તિનાથ,લાલ બજાર,રોટરી ક્લબ તેમજ અંકલેશ્વરમાં હસ્તી તળાવ,જવાહર બાગ તેમજ જીઆઈડીસી ની મુલાકાત લીધી હતી અને હાજર વિવિધ સંસ્થાઓના જીવદયા પ્રેમીઓને ઈજા પામેલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તેવી સૂચના આપી હતી.
ભરૂચ વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમ્યાન સવાર અને સાંજના સમય પક્ષીઓની ઉડા ઉડના સમયે પતંગ ન ચગાવવા અપીલ કરી હોવા છતાં પણ પતંગ રસીકોએ પતંગ ચગાવતા પક્ષીઓને દોરીની ઈજા થતા મોતને ભેટયા હતા તો કેટલાય પક્ષીઓ ઈજાગ્રસ્ત પણ થયા હતા.
ઉત્તરાયણ પર્વમાં ભરૂચ જીલ્લામાં પતંગની દોરીથી ૪૬ પક્ષીઓ ઈજાગ્રસ્ત થતાં ૧૨ પક્ષીઓ મોતને ભેટ્યા
- જીલ્લામાં ઉભા કરાયેલા સારવાર કેન્દ્ર અને કલેક્શન સેન્ટરમાં વિવિધ જીવદયા પ્રેમીઓ દ્વારા ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરી - મૃત પક્ષીઓમાં ૨ વિદેશી પક્ષી પીળી ચાંચ ઢોંકનો પણ સમાવેશ - વન વિભાગ દ્વારા જીલ્લાના કલેક્શન સેન્ટરની પણ મુલાકાત લીધી