(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે નવી નગરીમાં રહેતા એક ૨૪ વર્ષીય યુવકનો આજરોજ કુંવરપરા ગામની સીમમાંથી મૃતદેહ મળ્યો હતો.
મળતી વિગતો મુજબ ઝઘડિયા નવી નગરી ખાતે રહેતો અનિલભાઈ નટવરભાઈ વસાવા નામનો ૨૪ વર્ષીય યુવક ઝઘડિયા જીઆઈડીસીની એક કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતો હતો. તા.૭ મીના રોજ યુવકના પિતા નટવરભાઈ ભીખાભાઈ વસાવા સવારના ઝઘડિયા ત્રણ રસ્તા ઉપર મજુરી કામે ગયા હતા.તેમના પુત્ર અનિલે હાલ પી.એફ.ઉપાડવા કંપની માંથી રજા લીધેલ હોય તે ઘરે હતો.ત્યાર બાદ સાંજના સાતેક વાગ્યે નટવરભાઇ ઘરે આવ્યા હતા,તે સમયે અનિલ ઘરે હાજર ન હોઈ નટવરભાઈએ પુછતા તેમના પત્નીએ જણાવેલ કે અનિલ સાંજના છ વાગ્યે શાકભાજી લેવા ગયો હતો.પરંતું ત્યાર બાદ મોડી રાત સુધી અનિલ ઘરે પાછો ફર્યો ન હતો,તેથી પરિવારજનોએ તેની શોધ કરવા છતાં કોઇ ભાળ મળી નહતી.દરમ્યાન ઝઘડિયા ખાતે રહેતી એક મહિલાએ તા.૮ મીના રોજ અનિલને સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં ઝઘડિયા બજારમાં જોયો હોવાની જાણ થઈ હતી.જોકે ત્યાર બાદ અનિલની કોઈ ખબર મળી નહતી.દરમ્યાન આજરોજ તા.૧૦ મીના રોજ તેમની મોટર સાયકલ કુંવરપરા ગામની સીમમાં પડેલ હોવાની ખબર મળતા સ્થળ ઉપર જઈને તપાસ કરતા ઝાડી ઝાંખરામાં અવાવરૂ જગ્યાએથી બે દિવસ અગાઉ ગુમ થયેલ યુવક અનિલનો મૃતદેહ મળી આવ્યો હતો.આ સંદર્ભે ઝઘડિયા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લીધો હતો અને મૃતદેહને પીએમ માટે ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલ્યો હતો.ઘટના સંદર્ભે મૃતકના પિતા નટવરભાઈ ભીખાભાઈ વસાવાની ફરિયાદ મુજબ ઝઘડિયા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથધરી હતી. ઝઘડિયાના શાકભાજી લેવા ગયેલ અને ત્યાર બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલ યુવકનો ત્રણ દિવસ બાદ સીમ માંથી મૃતદેહ મળતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.યુવકે આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા થઈ છે એ બાબતે હાલતો રહસ્ય સર્જાયું છે.પોલીસ તપાસ બાદજ યુવકના મોતનું સાચું કારણ બહાર આવશે એમ હાલતો જણાઈ રહ્યુ છે.
Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is