પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને અલ-કાદિર ટ્રસ્ટ સંબંધિત જમીન કૌભાંડમાં 14 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સ્થાનિક કોર્ટે આ કૌભાંડમાં મહત્ત્વનો ચૂકાદો આપતાં ઈમરાનની પત્નીને પણ સાત વર્ષની જેલની સજા ફટકારી છે. હાલ ઈમરાન ખાન અને બુશરા બીબી બંને જેલમાં જ બંધ છે. કોર્ટે ઈમરાન અને બુશરા પર રૂ. 10 લાખ અને રૂ. 5 લાખનો દંડ પણ ફટકાર્યો હતો. તેમજ દંડની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહ્યા તો બંનેને છ મહિનાની જેલની સજા પણ થઈ શકે છે.
નેશનલ એકાઉન્ટબિલિટી બ્યૂરોએ ડિસેમ્બર, 2023માં ઈમરાન ખાન, તેના પત્ની બુશરા બીબી, સહિત અન્ય છ વિરૂદ્ધ રાષ્ટ્રીય ખજાનાને 190 મિલિયન પાઉન્ડનું નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ડિસેમ્બર, 2023માં અલ-કાદિર યુનિવર્સિટી ટ્રસ્ટ કેસમાં ભ્રષ્ટાચાર અને રાષ્ટ્રીય ખજાનાનો ગેરકાયદે ઉપયોગ કરવા બદલ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન, તેના પત્ની બુશરા બીબી અને અન્ય સાત લોકો વિરૂદ્ધ કેસ ફાઈલ થયો હતો. અગાઉ ત્રણ વખત ચુકાદો સ્થગિત કરાયા બાદ જસ્ટિસ નાસિર જાવેદ રાણાએ અંતે સજાનો આદેશ આપ્યો હતો. ઈમરાન અને તેના પત્નીએ અલ-કાદિર યુનિવર્સિટી પ્રોજેક્ટ ટ્રસ્ટ સાથે મળી અબજો રૂપિયાનું ભ્રષ્ટાચાર કર્યું હતું.
શું હતો મામલો?
ઈમરાન ખાન અને બુશરા બીબીએ બહરિયા ટાઉન લિ.નો યુકેમાં ચાલતા કેસની પતાવટમાં મદદ કરવા બદલ અબજો રૂપિયા અને જમીન (અંગત લાભ) મેળવી હોવાનો આરોપ હતો. આ મામલે કોર્ટે ઈમરાનને સ્પષ્ટીકરણ આપવા માટે અનેક તકો આપી હોવા છતાં તે પોતાને નિર્દોષ સાબિત કરી શક્યા ન હતાં. પાકિસ્તાનના પ્રોપર્ટી ટાયકૂન અને બહરિયા ટાઉન લિ.ના સ્થાપક મલિક રિયાઝ હુસૈન અને તેમના પુત્ર અહેમદ અલી રિયાઝ, મિર્ઝા શહેઝાદ અકબર અને ઝુલ્ફી બુખારી પણ આ કેસમાં શકમંદ હતા.પરંતુ તપાસ અને ત્યારબાદની કોર્ટ કાર્યવાહીમાં સહયોગ આપવાના બદલે તેઓ ફરાર થયા હતાં. ત્યારબાદ તેમને ગુનેગાર (PO) જાહેર કરવામાં આવ્યા હતાં.
પાકિસ્તાનના પ્રોપર્ટી ટાયકૂન મલિક રિયાઝની 190 મિલિયન પાઉન્ડની સંપત્તિ યુકેની નેશનલ ક્રાઈમ એજન્સી દ્વારા જપ્ત કરવામાં આવી હતી. આ સંપત્તિ પાકિસ્તાનની સરકારને ટ્રાન્સફર કરવાની હતી. પરંતુ 2019માં જ્યારે ઈમરાન ખાન વડાપ્રધાન પદે સત્તા પર હતાં, ત્યારે તેમણે કેબિનેટ પાસેથી યુકે ક્રાઈમ એજન્સી સાથે સેટલમેન્ટ કરવા મંજૂરી લીધી હતી. જો કે, તેમાં પોતાનો અંગત લાભ જાહેર કર્યો ન હતો. જેમાં સરકારી ખજાનાની રકમને કોર્ટમાં મલિક રિયાઝ વતી રજૂ કરવામાં આવી હતી. થોડા સપ્તાહ બાદ ભ્રષ્ટાચાર વિરોધી તપાસ એજન્સીને અલ-કાદિર ટ્રસ્ટ મળી આવ્યુ હતું. જેના સભ્યો પીટીઆઈ નેતાઓ ઝુલ્ફી બુખારી, બાબર અવાન, બુશરા બીરી અને તેમના મિત્ર ફરાહ ખાન હતા. મલિક રિયાઝે ઈમરાન ખાનને યુકે સરકાર સામે લિગલ પ્રોટેક્શન બદલ શૈક્ષણિક સંસ્થા સ્થાપિત કરવા જમીન આપી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is