ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ટેસ્ટ સીરિઝમાં મળેલી હાર બાદ હાલ ભારતીય ક્રિકેટમાં ઉથલપાથલનો સમયગાળો ચાલી રહ્યો છે. ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન રોહિત શર્મા સાથે રીવ્યૂ મીટિંગ કર્યા બાદ BCCIએ હવે ખેલાડીઓ માટે 10 મુદ્દાની ગાઈડલાઇન જારી કરી છે. જેમાં ખેલાડીઓને ઘરેલું ક્રિકેટ રમવા અને વિદેશના પ્રવાસ દરમિયાન પત્ની અને પરિવારને સાથે રહેવા પર કડક નિયમો લાદવામાં આવ્યા છે. હવે સવાલ એ ઊભો થાય છે કે શું ભારતીય ટીમના સિનિયર ખેલાડીઓ 10-પોઈન્ટ ગાઈડલાઈન જાહેર થયા પછી ઘરેલુ ક્રિકેટમાં 23 જાન્યુઆરીથી શરૂ થનારી રણજી ટ્રોફીના બીજા તબક્કામાં રમશે કે નહી? જો તે નહીં રમે તો તેણે કોને જવાબ આપવો પડશે?
ગિલ, પંત, પ્રસિદ્ધ કૃષ્ણા અને દેવદત્ત રમશે રણજી
હકીકતમાં રણજી ટ્રોફી 2024-25 સિઝનનો બીજો તબક્કો 23 જાન્યુઆરીથી શરૂ થશે. આ માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસથી પાછા ફરેલા શુભમન ગિલ, રિષભ પંત, પ્રસિદ્ધ કૃષ્ણા અને દેવદત્ત પડિક્કલ જેવા ખેલાડીઓએ પોતાના રાજ્યો તરફથી રમવા માટે સંમતિ આપી છે. જો કે, રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલે આ અંગે કોઈ નિર્ણય જાહેર કર્યો નથી.
ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા તાજેતરમાં મુંબઈની રણજી ટ્રોફી ટીમના ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. આ પછી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તે 23 જાન્યુઆરીથી જમ્મુ અને કાશ્મીર સામેની રણજી મેચ રમી શકે છે. પરંતુ રોહિત તરફથી હજુ સુધી કંઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. દિલ્હીની રણજી ટીમની જાહેરાત ટૂંક સમયમાં થશે. રિષભ પંત દિલ્હી માટે રણજી ટ્રોફી મેચ રમવા માટે સંમત થઇ ગયો છે. પરંતુ હજુ સુધી દિલ્હી ક્રિકેટ બોર્ડને વિરાટ કોહલી અંગે કોઈ માહિતી મળી નથી.
શું રાહુલ રમશે રણજી ટ્રોફી?
એવું માનવામાં આવી રહ્યું હતું કે કેએલ રાહુલને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે સીરિઝમાં આરામ આપવામાં આવશે. પરંતુ બાદમાં એવા અહેવાલો આવ્યા કે મેચ પ્રેક્ટિસ માટે તેને ઇંગ્લેન્ડ સામેની વનડે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. પરંતુ રાહુલે 23 જાન્યુઆરીથી કર્ણાટક માટે રણજી ટ્રોફી મેચ રમવા અંગે હજુ સુધી કોઈ માહિતી આપી નથી.
ગાઈડલાઇન તોડી તો શું થશે?
BCCIએ જારી કરેલી ગાઈડલાઈનમાં જણાવ્યું હતું કે, ભારતીય ખેલાડીઓએ ઘરેલું મેચોમાં ભાગ લેવો પડશે. હવે ભારતીય ટીમની પસંદગી માટે તેને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ દ્વારા બોર્ડ સિનિયર અને જુનિયર ખેલાડીઓ વચ્ચે કનેક્શન સ્થાપિત કરવા અને સારું વાતાવરણ બનાવવા માંગે છે. જો કોઈ ખેલાડી ઘરેલું મેચોમાં ભાગ લઈ શકતો નથી તો તેણે બોર્ડને તેની જાણ કરવી પડશે. આ માટે પસંદગી સમિતિના અધ્યક્ષ પાસેથી પરવાનગી લેવી પડશે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is