(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ મથકના પીસીઆર ઈન્ચાર્જ બચ્ચનભાઈ અને સી ટીમની બહેનો કલાવતીબેન અને વાસંતીબેન દ્વારા રાજપારડી કુમારશાળાના બાળકોની શુભેચ્છા મુલાકાત લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.પીસીઆર ઈન્ચાર્જ બચ્ચનભાઈ અને સી ટીમની બહેનોએ શાળાના બાળકોને મળીને ખુશી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે શિક્ષકોની ઉપસ્થિતિમાં પોલીસ ટીમ દ્વારા શાળાના બાળકો સાથે શિક્ષણને લગતી વાત કરીને પ્રાથમિક શિક્ષણ જીવનથી જ મહેનત કરીને ઉચ્ચ શૈક્ષણિક કારકીર્દિ સફળ બનાવવા કટિબધ્ધ બનવા અનુરોધ કર્યો હતો.તેમણે બાળકોને કહ્યું કે અમારા વખતમાં પાંચ કિલોમીટર ચાલીને ભણવા જવું પડતું હતું જ્યારે અત્યારે સમય પલટાયો છે અને ભણવામાં આધુનિક સુવિધાઓ મળી રહી છે ત્યારે શિક્ષણના પ્રાથમિક તબક્કાથી જ શિક્ષણ પ્રત્યે યોગ્ય રૂચિ કેળવીને આગળ વધાય તો આ વાત આગળ ઉપર સફળતા અપાવવા અસરકારક સાબિત થઇ શકે.પીસીઆર ઈન્ચાર્જ દ્વારા શાળાના બાળકો સાથે શૈક્ષણિક વાત કરવા ઉપરાંત જીવનના અન્ય ક્ષેત્રોમાં પણ કેવી રીતે સફળ થવાય તેને લગતું માર્ગદર્શન આપ્યું હતું.લોકોને સલામતી પુરી પાડનાર પોલીસ જ્યારે શાળાના બાળકો સાથે મુલાકાત લઈને શૈક્ષણિક માર્ગદર્શન આપવા આગળ આવે ત્યારે સાચા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર હોવાની પ્રતીતિ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા પીસીઆર ઈન્ચાર્જ બચ્ચનભાઈ અને સી ટીમની બહેનો દ્વારા ઝઘડિયા પીઆઈ એન.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ અવારનવાર નાના ભુલકાઓ માટે થાળી વાડકી ચમચી જેવા જમવામાં ઉપયોગી સાધનો સહિત ભણવામાં ઉપયોગી ચિત્રોવાળા ચાર્ટનું વિતરણ કરવામાં આવતું હોય છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is