વિખ્યાત રૉક બેન્ડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ આગામી 25-26 જાન્યુઆરીના દિવસે અમદાવાદ ખાતે યોજાશે. આ કોન્સર્ટ માટે દેશ-વિદેશના રૉક મ્યુઝિકના ફેન્સ અમદાવાદના મહેમાન બનશે. જેના કારણે ખાસ કરીને મુંબઈ, બેંગલુરૂ, હૈદરાબાદથી અમદાવાદ આવવા માટેના વિમાની ભાડામાં તોતિંગ વધારો થયો છે. મુંબઈથી અમદાવાદની અનેક ટ્રેનમાં પણ 300થી વધુનું વેઇટિંગ છે.
વન-વે એરફેરમાં તોતિંગ વધારો
નોંધનીય છે કે, મુંબઈ-અમદાવાદનું વન-વે એરફેર સામાન્ય દિવસોમાં 2800 રૂપિયાની આસપાસ હોય છે. પરંતુ, 25 જાન્યુઆરીના દિવસે, જ્યારે કોલ્ડપ્લેનો કોન્સર્ટ છે ત્યારે વન-વે એરફેર રૂપિયા 10,800 થી 22 હજાર રૂપિયા થઈ ગયું છે. અમદાવાદ આવવા માટે ટ્રેનની ટિકિટ માટે પણ ભારે પડાપડી થઈ રહી છે. 26 જાન્યુઆરીએ વંદે ભારતમાં 345, શતાબ્દી એક્સપ્રેસમાં 286, તેજસ એક્સપ્રેસમાં 88, કર્ણાવતી એક્સપ્રેસમાં 118 અને ડબલ ડેકરમાં 127 જેટલું વેઇટિંગ છે.
રેલવે દોડાવશે સ્પેશિયલ ટ્રેન
ભારે ઘસારાને ધ્યાનમાં રાખી રેલવે વિભાગ દ્વારા બે સ્પેશિયલ ટ્રેન દોડાવાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ-બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 24 જાન્યુઆરીએ રાત્રે 8 વાગ્યે અમદાવાદથી રવાના થઈને સવારે 4:20 વાગ્યે બાન્દ્રા પહોંચશે. આ જ પ્રકારે બાન્દ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 25 જાન્યુઆરીએ બાન્દ્રા ટર્મિનસથી સવારે 5:35 વાગ્યે રવાના થઈને એ જ દિવસે બપોરે 1:45 વાગ્યે અમદાવાદ પહોંચશે.
હોટેલના ભાડામાં પણ તોતિંગ વધારો
આ જ પ્રકારે દિલ્હી-અમદાવાદનું વન-વે એરફરે જે સામાન્ય દિવસોમાં રૂપિયા 4,400ની આસપાસ હોય છે, તે કોલ્ડપ્લેના દિવસે વધીને 15 હજારથી 26 હજાર રૂપિયા થઈ ગયું છે. ટ્રેનમાં ભારે વેઇટિંગ અને તોતિંગ એરફેરના કારણે અનેક લોકો પોતાનું વાહન કરીને અમદાવાદ પહોંચે તેવી સંભાવના છે. કોલ્ડપ્લેના કારણે મોટેરા સ્ટેડિયમ આસપાસ આવેલી નાની-મોટી હોટેલના ભાડામાં પણ તોતિંગ વધારો થયો છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is