best news portal development company in india

ભાલોદ ગામે જવાબદાર તંત્ર દ્વારા ગૌચરના દબાણ દૂર નહીં કરાતા ગ્રામજનો પશુપાલકોએ જાતે ગૌચરની જમીન પર કબ્જો મેળવ્યો

SHARE:

– છેલ્લા કેટલા વર્ષોથી ભાલોદ ગામે કેટલા ઈસમો દ્વારા ગૌચરની જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી ખેતી કરી ઉપજ મેળવતા હોય પશુપાલકો માટે પશુઓને ક્યાં ચરાવવા તે સમસ્યા હતી
– ભાલોદ ગામની ૮૦ એકર ગૌચરની જમીન પર ૯૦ ટકા ગૌચરની જમીન પર ૨૦ થી વધુ માથાભારે ઈસમોએ કબ્જો જમાવ્યો હતો!
(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના ગામે ગામ ગૌચરની જમીન પર દબાણના પ્રશ્નો સળગતા રહ્યા છે,તાલુકાનું એક પણ ગામ એવું નહીં હોય જ્યાં પશુઓ માટેની સરકાર દ્વારા અનામત રખાયેલ ગૌચરની જમીન પર સ્થાનિક ઈસમોનો કબજો નહીં હોય! સરકાર દ્વારા ગૌચરની જમીનો માટે કડક નિયમો તો બનાવાયા છે પરંતુ ગૌચરની જમીન પર જે કબ્જો જમાવી બેઠા છે તેને છોડાવવા માટે કોઈ પણ જાતના પ્રયત્નો ઝઘડિયા તાલુકામાં કરવામાં આવ્યા નથી જે જગ જાહેર છે! નર્મદા કિનારાની ગૌચરની જમીનમાં તો લીઝ સંચાલકો દ્વારા સરપંચને સાથે રાખી તલાટીના મેળાપીપણામાં વીસ વીસ ફૂટ પહોળો અને કિલોમીટર જેટલા લાંબા રસ્તાઓ બનાવી દેવાય છે.ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે પણ આ બાબતનો પ્રશ્ન સળગતો હતો, lગામના આગેવાનો તથા ગ્રામજનો દ્વારા ગત તારીખ ૧૬.૧.૨૫ ના રોજ ગૌચરની જમીન પરના દબાણ દૂર કરવા બાબતે જીલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી હતી કે ભાલોદ ગામે આવેલ સરકારી ગૌચરની જમીન પર કેટલાક ઈસમો દ્વારા છેલ્લા કેટલા વર્ષોથી દબાણ કરવામાં આવ્યું છે અને તે ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરી ખેતીની ઉપજ મેળવવામાં આવે છે.આ બાબતે ગ્રામજનોએ મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી છે અને સ્થાનિક વહીવટી તંત્રને પણ વારંવારની રજૂઆતો બાદ પણ તલાટી કમ મંત્રી,તાલુકા વિકાસ અધિકારી,જિલ્લા વિકાસ અધિકારી, કલેકટર સહિતનાઓ દ્વારા કોઈપણ પગલાં ભરવામાં આવ્યા નથી,કલેકટરની રજૂઆતમાં સાત દિવસની મુદત આપી હતી.જે મુદત પૂરી થતી હોય ગતરોજ ફરીથી ગ્રામજનો દ્વારા રિમાઈન્ડ રજૂઆત કરી હતી.પરંતુ જવાબદાર અધિકારી દ્વારા કોઈ પ્રકારના પગલા ભરવામાં આવ્યા નથી,જેથી આજરોજ ભાલોદ ગામના પશુપાલકો ગ્રામજનો તથા આગેવાનો દ્વારા ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે ખેતી કરેલ તેના પર ટ્રેક્ટર ફેરવી દીધું હતું અને પોતાના પશુઓને કબજો કરેલ ગૌચરની જમીન પર ચરવા માટે છોડી મૂકવામાં આવ્યા હતા.ગ્રામજનો તથા પશુપાલકોનો આક્રોશ જોઈ ગેરકાયદેસર રીતે ગૌચરની જમીન પણ કબજો મેળવનારાઓ અને ખેતી કરનારાઓ ત્યાં ફરક્યા પણ નથી, ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજ પછી હજુ પાંચ દિવસ સુધી આ પ્રમાણેની જનતા રેડ કરી ભાલોદ ગ્રામ પંચાયતની હદમાં આવેલ અને ગૌચરની જમીનનુ દબાણ થયેલ તમામ ગૌચરની જમીનો ખુલ્લી કરવામાં આવશે.
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ભાલોદ ગ્રામ પંચાયતમાં એંશી એકર જેટલી ગૌચરની જમીન આવેલી છે,જે ગૌચરની જમીન પૈકી નેવુ ટકા જમીન પર માથાભારે ઈસમો દ્વારા કબજો કરી છેલ્લા કેટલા વર્ષોથી તેના પર ખેતી કરી તેની ઉપજ મેળવવામાં આવી રહી છે. પશુપાલકો માટે થોડી પણ ગૌચરની જમીન પશુઓના ચરણ માટે બાકી રાખી નથી, જેથી આજે વહીવટી તંત્રને વારંવાર અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા બાદ પણ ગૌચરની જમીનના દબાણો દૂર નહીં થતા જનતા રેડ કરી ગેરકાયદેસર રીતે કરેલી ખેતી પર ટ્રેક્ટર ફેરવી પોતાના પશુઓને ગૌચરની જમીનમાં ચરવા માટે છોડી મૂકવામાં આવ્યા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!