– ખેડૂતો તથા લીઝ સંચાલકોએ સીમમાં જવા માટે રેતી વહન કરવા માટે ગૌચરની જમીનમાં રસ્તો માંગ્યો હોવાની રજૂઆત સાથે ગ્રામ પંચાયતે ગૌચરની જમીનનો રસ્તો નીમ કરવા માટે ઠરાવ કરી ટીડીઓને ભલામણ કરી
(જ્યશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારમાં લીઝ સંચાલકો દ્વારા આડેધડ રેતી ખનન કરી ગૌચરની જમીનમાંથી, ગામોમાં થઈ ઓવરલોડ પાણી નીતળતી રેતીનું વહન કરતા આવ્યા છે,જે તે ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી એટલા હોશિયાર થઈ ગયા છે કે લીઝ સંચાલકોનું ઉપલાણું લઈ ખેડૂતોના નામથી ગૌચરની જમીનો નીમ કરાવી તેમાં રસ્તા બનાવવા માટે સામાન્ય સભામાં ઠરાવ કરી તાલુકા વિકાસ અધિકારીને ભલામણ કરતી રજૂઆત કરે છે, તેના પરથી લીઝ સંચાલકો, તલાટી, સરપંચ અને તાલુકાના અધિકારીઓનું મેળાપીપણુ હોય તેવું સ્પષ્ટ થાય છે.
ઝઘડિયા તાલુકાના ઈન્દોર ગામે કરજણ તાલુકાના લીઝ સંચાલકો દ્વારા રેતી ખનન કરી તેનું ઓવરલોડ તેમજ પાણી નીતળતી રેતીનું વહન ઈન્દોર ગ્રામ પંચાયત હસ્તકની ગૌચરની જમીનમાંથી કરવામાં આવતું હતું.આ બાબતે ગામના આગેવાનો તથા ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત ઈન્દોર,તાલુકા વિકાસ અધિકારીથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી.જેના પગલેના છૂટકે જવાબદાર અધિકારીઓ દ્વારા ગ્રામજનો તથા આગેવાનોની વારંવારની રજૂઆત બાદ લીઝ સંચાલકો દ્વારા ગૌચરના જમીનમાંથી બનાવેલ રસ્તાને ખોદી નાખી રેતીનું વહન બંધ કરાવ્યું હતું. જેથી સંચાલકો તથા તેની ફેવરના પંચાયતના કેટલાક મળતીયાઓમાં સોપો પડી ગયો હતો.વાત આટલી થી જ નહીં અટકતા લિઝ સંચાલકોએ કેટલાક ઈન્દોર ગામના ખેડૂતોને સાથે રાખી તેમને કાયમ સાથ આપતા એવા ગામના સરપંચ તથા તલાટી પાસે તા ૨૧.૧૨.૨૪ સામાન્ય સભામાં એવો ઠરાવ કરાવ્યો કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્થાનિક ગ્રામજનોની રજૂઆત બાદ ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રીતે ચાલતો રસ્તો ખોદી નાખ્યો છે જે બાબતે વારંવાર ગ્રામ પંચાયતને ફરિયાદ મળે છે,ગામના ખેડૂતોના તથા લીઝ ધારકોને રેતી વહન માટે ઘણી તકલીફ પડે છે,ગામ પાસે અન્ય કોઈ રસ્તાનો વિકલ્પ ન હોય તેમ જ ગ્રામજનોની સુખાકારી જળવાય તે હેતુસર આ રસ્તો ચાલુ રાખેલ છે, રસ્તા પરથી ખેડૂતો ગ્રામજનો પસાર થાય છે ઈન્દોર ગામે નર્મદા કિનારે આવેલ છે જેથી પૂર સમયે આ રસ્તો સુરક્ષિત સ્થાન સુધી પહોંચાડવામાં પણ ઉપયોગ થાય છે, ખેતીના વાહનો તથા ખેતપેદાશો વહન કરતા વાહનો જો ગામ માંથી પસાર થાય તો ઊભી કરેલ અસ્ક્યામતો જેવી કે રોડ રસ્તા ગટર લાઈન પાણી લઈને નુકસાન થાય તેમ હોય,તેમજ જાનહાનીની ભીતી રહેલી છે,ગ્રામજનો તથા ખેડૂતો ની સુખાકારી જળવાય તે માટે રસ્તાની માંગણી કરેલ છે તેવા શુભ આશયથી ગૌચરના સર્વે નંબર ૨૮૭, ૨૮૮ માંથી ૧૫ ફુટ× ૨૦૦૦ મીટરનો રસ્તો કાયમી ધોરણે સરકારના નિયમો અનુસાર નિમ કરવા આજની સભા સક્ષમ અધિકારીને વિનંતી સહ ભલામણ કરે છે, તેવો ઠરાવ કરવામાં આવ્યો છે, ગ્રામ પંચાયત દ્વારા આ ઠરાવ કરવામાં આવતા ગામમાં મોટો ઉહાપોહ થયો છે, જેનું કારણ એ છે કે ગૌચરની જમીનમાંથી જે રસ્તો ગેરકાયદેસર રીતે ચાલતો હતો અને બંધ કરવામાં આવ્યો છે તે રસ્તે થી લીઝ સંચાલકોને ફાયદો થાય એમ છે અને ગ્રામજનોને નુકસાન થાય એમ છે, ગ્રામજનો એ જણાવ્યું છે કે આ સિવાય લીઝને જોડતો અન્ય રસ્તો પણ છે,તો તે રસ્તો કરજણ તાલુકાના લીઝ સંચાલકોને આપવામાં આવે તેવુ ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે, તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઈન્દોર ગામના સરપંચ અને તલાટીને ઈન્દોર ગ્રામ પંચાયતના ગામની સુખાકારીનો હેતુ અહીંયા આ ઠરાવમાં જણાઈ રહ્યો નથી એમને પોતાનું સુખ અને સ્વાર્થ દેખાઈ રહ્યું છે, ઈન્દોર ગૌચરની જમીન દિવસેને દિવસે ઘટી રહી છે લીઝ સંચાલકો દ્વારા ગૌચરની જમીનમાંથી રસ્તાની માંગણી કરવામાં આવી છે તે તદ્દન ખોટી છે અને જે ઠરાવ કરવામાં આવ્યો છે, તે પંચાયતના કાયદા વિરુદ્ધ કરવામાં આવ્યો છે તેથી સામે અમારો સખત વિરોધ છે તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું,
– ગૌચરની જમીન નીમ કરી રસ્તો આપવાનો એજન્ડા સામાન્ય સભામાં હતો જ નહીં અને સામાન્ય સભામાં તેની ચર્ચા પણ થઈ ન હતી : બાનુબેન ચૌહાણે સભ્ય ઈન્દોર ગ્રામ પંચાયત
ઈન્દોર ગ્રામ પંચાયત માં ગૌચરની જમીનમાંથી લીઝ સંચાલકોને રસ્તો આપવાની બાબત ટોક ઓફ ધ ટાઉન બની છે, જેના કારણે લીઝ સંચાલકો સરપંચ અને તલાટી અવનવા પેંતરા રચી રહ્યા છે તેવુ ઈન્દોર ગ્રામ પંચાયતના સભ્ય બાનુબેન ચૌહાણે જણાવ્યું હતું, તેણે વધુમાં જણાવ્યું હતું કે ગત તા.૨૧.૧૨.૨૪ ના રોજ જે સામાન્ય સભા બોલાવવામાં આવી તે સામાન્ય સભાની જાણ કેટલાક સભ્યોને કરવામાં આવી નથી, અને તેનો એજન્ડા પણ આપવામાં આવ્યો નથી, સામાન્ય સભા જ્યારે શરૂ થઈ ત્યારે એજન્ડામાં ગૌચરની જમીન નીમ કરી લીઝ સંચાલકો તથા ખેડૂતોને રસ્તો ફાળવી આપવા બાબતે ચર્ચા કે ભલામણ કરતો કોઈ ઠરાવ કરવા સભા દરમિયાન ચર્ચા કે ઠરાવ કરવામાં આવ્યો નથી, અને પાછળથી આ ઠરાવ ઉમેરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ ગ્રામ પંચાયતના સભ્ય બાનુબેન ચૌહાણ દ્વારા કરવામાં આવ્યો છે, તેમણે વધુમાં જણાવ્યું હતું કે આખી ગ્રામસભાનું વિડીયો રેકોર્ડિંગ તેમની પાસે છે, જેમાં ગૌચરની જમીન નીમ કરવાનો એજન્ડા હતો નહીં અને સભામાં કોઈ ચર્ચા કે ઠરાવ પણ કરવામાં આવ્યો નથી !

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is