– ૨૭ વર્ષથી કાર્યરત ભરૂચ પાલિકામાં રોજમદાર કર્મચારીનું ફરજ દરમ્યાન મોતના પગલે પરિવારને વળતર અને પુત્રને નોકરી માટે કલેક્ટરને રજૂઆત
ભરૂચ,
ભરૂચ નગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગમાં છેલ્લા ૨૭ વર્ષથી રોજમદાર કર્મચારી તરીકે ફરજ બજાવતા રોજમદારનું મોત નીપજતા પરિવારજનોને વળતર અને પુત્રને નોકરી મળે તે માટે આદિવાસી સમાજની આગેવાનીમાં કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી.
ભરૂચ નગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગમાં છેલ્લા ૨૭ વર્ષથી રોજમદાર કર્મચારી તરીકે ફરજ બજાવતા શંભુ જયસીંગભાઈ વસાવાનું ૨૧મી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સોનેરી મહલ ટાંકી પર રાત્રિ ફરજ દરમ્યાન મોત નિપજ્યું હતું.મૃતક કર્મચારીના પરિવારજનો અને આદિવાસી સમાજના આગેવાનોએ નગરપાલિકામાં વળતર માટે રજૂઆત કરી હતી.આ બાદ સામાન્ય સભામાં પણ આ મુદ્દે રજૂઆત કરતા મામલો ગરમાયો હતો.તેમ છતાં પાલિકા દ્વારા આજદિન સુધી કોઈ વળતર ચૂકવવામાં કે પુત્રને નોકરી ઉપર લેવામાં ન આવતા સોમવારના રોજ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આવેદનપત્રમાં મૃતકના પરિવારને યોગ્ય વળતર અને તેમના પુત્રને નોકરી આપવાની માગણી કરવામાં આવી છે.આ રજૂઆત સમયે પાલિકા નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા સહિત આદિવાસી સમાજના અગ્રણીઓ અને મૃતકના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.આદિવાસી સમાજના આગેવાનોએ કલેક્ટરને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવા સાથે ન્યાયની આશા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમ્યાન ખુલ્લી ચેમ્બરમાં ગરકી જવાથી એક ઈસમનું મોત નીપજતા પાલિકા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પરિવારે વળતર અને મૃતકની પત્નીને નોકરી ની માંગ ઉઠાવતા પાલિકાએ તંત્રએ કોન્ટ્રાક્ટ ને બચાવવાની લ્હાયમાં મૃતકના પરિવારને સહાય ચૂકવવા સાથે તેની પત્નીને નોકરી પણ આપી હતી.ત્યારે પાલિકામાં છેલ્લા ૨૭ વર્ષથી રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારી નું ફરજ દરમ્યાન મોત થવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું વળતર કે પુત્રને નોકરી નહીં આપતા પરિવારે કલેક્ટરના દ્વાર ખખડાવ્યા છે.ત્યારે શું કલેક્ટર કચેરી દ્વારા આ પરિવારને ન્યાય મળશે કે નહીં તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is