– વાડી મીરાપોર બાબરીના પ્રસંગ માંથી મોટર સાયકલ પર ઘરે પરત આવતા બે પિતરાઈ ભાઈઓને રસ્તામાં અકસ્માત નડયો
(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં પાછલા લાંબા સમયથી અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.તાલુકા માંથી પસાર થતાં નેશનલ હાઈવે ઉપરાંત રાજ્ય ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પણ અકસ્માતોના ભરડામાં આવી ગયા હોય એમ અવારનવાર નાનામોટા અકસ્માતો સર્જાતા જોવા મળે છે.અકસ્માતની એક અન્ય ઘટનામાં ઝરપણીયા નજીક એક અજાણ્યા રીક્ષા ચાલકે અડફેટમાં લેતા મોટર સાયકલ સવાર બે પિતરાઈ ભાઈઓ પૈકી એકનું મોત થયું હતું જ્યારે એકને ઈજા થઈ હતી.
ઝઘડિયા જીઆઈડીસી પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઝઘડિયાના સુલતાનપુરા ખાતે રહેતો મનીશભાઈ મનસુખભાઈ વસાવા નામનો યુવક અને તેનો પિતરાઈ ભાઈ પ્રવિણભાઈ વસાવા બન્ને મોટર સાયકલ લઈને તા.૧૬ મીના રોજ બપોરના વાડી મીરાપોર ગામે બાબરીના પ્રસંગમાં ગયા હતા.ત્યાંથી પ્રસંગ પતાવીને તેઓ સાંજના ઘરે આવવા નીકળ્યા હતા.તે દરમ્યાન સાંજના સાડા છ વાગ્યાના અરસામાં તેમની મોટર સાયકલ પાછળ આવતી એક રીક્ષાએ મોટર સાયકલને ટક્કર મારતા મોટર સાયકલ સવાર બન્ને ઈસમો મોટર સાયકલ સહિત નીચે પડી ગયા હતા.આ અકસ્માતમાં બન્ને ભાઈઓ ઈજાગ્રસ્ત થયા હતા અને પ્રવિણભાઈને માથામાં ગંભીર ઈજાઓ થયેલ હોઈ તે બેભાન જેવો થઈ ગયો હતો.ઈજાગ્રસ્તોને સારવાર માટે વાલિયા સરકારી દવાખાને લઈ જવાયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તપાસીને પ્રવિણભાઈને મરણ પામેલ જાહેર કર્યો હતો.અકસ્માતની આ ઘટના સંદર્ભે મનીશભાઈ વસાવાની ફરિયાદ મુજબ ઝઘડિયા જીઆઈડીસી પોલીસે અકસ્માત સર્જી ઘટના સ્થળેથી નાશી ગયેલ અજાણ્યા રીક્ષા ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ હાથધરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is