– નિઃશુલ્ક બ્લડ પ્રેશર અને ડાયાબીટીસની ચકાસણી, શંકાસ્પદ દર્દીઓનું નિદાન અને દવા ઉપલબ્ધતા તેમજ ઘરે-ઘરે આરોગ્ય ટીમ દ્વારા તપાસની સુવિધા ઉપલબ્ધ થશે
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં હાઇપર ટેન્શન બ્લડ પ્રેસર બી. પી.ના ૨૨,૨૪૬ દર્દીઓ અને ડાયાબિટીસ (સુગર) ના ૧૦,૫૬૩ દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થઈ જવા પામ્યું છે.જેને નાથવા સારવાર અર્થે આવતીકાલ ૨૦મી ફેબ્રુઆરીથી ૩૧મી માર્ચ ૨૦૨૫ સુધી બ્લડ પ્રેશર (બી.પી) અને ડાયાબીટીસ (સુગર) ના દર્દીઓની મેગા નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવશે એમ આજે ખાસ બોલાવેલી પત્રકાર પરિષદમાં નર્મદા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જનક મોઢકે ખાસ માહિતી આપી હતી.
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે નર્મદા જિલ્લામાં ૨૦મી ફેબ્રુઆરી ૨૦૨૫ થી ૩૧મી માર્ચ ૨૦૨૫ સુધી બ્લડ પ્રેશર (બી.પી) અને ડાયાબીટીસ (સુગર)ના દર્દીઓની મેગા નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.એન.પી-એન.સી.ડી. પ્રોગ્રામ અંતર્ગત બિન-ચેપી રોગોના સ્ક્રીનિંગ, નિદાન અને સારવાર માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે.જેનો લાભ દરેક ૩૦+ ઉંમરના નાગરિકો લઈ શકશે.આ ઝુંબેશ હેઠળ નિઃશુલ્ક બ્લડ પ્રેશર અને ડાયાબીટીસની ચકાસણી, શંકાસ્પદ દર્દીઓનું તાત્કાલિક નિદાન અને દવા ઉપલબ્ધતા તેમજ ઘરે-ઘરે આરોગ્ય ટીમ દ્વારા તપાસની સુવિધા ઉપલબ્ધ થશે. નજીકના આરોગ્ય કેન્દ્ર, જિલ્લા હોસ્પિટલ, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સા.આ.કેન્દ્ર અથવા આયુષ્માન આરોગ્ય મંદિર (સબ-સેન્ટર, મા.આ કેન્દ્ર) ખાતે નોંધણી કરાવી શકો છો.નર્મદા જિલ્લામાં ૩૦ વર્ષથી વધુ વયના લોકો ૩,૫૭,૭૮૨ છે.જેમાં જિલ્લામાં હાઈપર ટેન્શનના ૨૨,૨૪૬ દર્દીઓ છે.જ્યારે ડાયાબિટીસના ૧૦,૫૬૩ દર્દીઓ નોંધાયેલા છે.આશા વર્કર, આરોગ્ય કર્મચારીઓ અને આયુષ્માન આરોગ્ય મંદિરની ટીમ ઘરે-ઘરે આવી નોંધણી કરશે.આ માહિતી સંપૂર્ણ પણે ગુપ્ત રહેશે.૩૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક નાગરિકે વર્ષમાં બે વાર બી.પી અને ડાયાબીટીસની ચકાસણી કરાવવી જરૂરી છે.આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે.આ પ્રસંગે પત્રકારો માટે વિના મુલ્યે બીપી ડાયાબીટીઝ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is