ઓસ્ટ્રેલિયાના ૮૮ વર્ષના બ્લડ ડોનર જેમ્સ હેરિસનનું ૮૮ વર્ષની વયે નિધન થયું છે. તેમના શરીરમાં દુર્લભ પ્રકારનું એન્ટી બોડી હોવાથી તેમના પ્લાઝ્માના કારણે ૨૪ લાખ બાળકોનો જીવ બચ્યો હતો. તેમણે રક્તદાનના અનેક રેકોર્ડ બનાવ્યા હોવાથી તેઓ ગોલ્ડન આર્મ્સના નામેય ઓળખાતા હતા.
૧૯૩૬માં ઓસ્ટ્રેલિયાના ન્યૂ વેલ્સમાં જન્મેલા જેમ્સ હેરિસને પહેલી વખત ૧૮ વર્ષની વયે ૧૯૫૪માં રક્તદાન કર્યું હતું. રક્તદાન કર્યાના થોડા દિવસ પછી તેમને બ્લડબેંકે ફરી બોલાવ્યા. તેમને જણાવવામાં આવ્યું કે તેમનું બ્લડગૃપ આરએચ પોઝિટિવ છે, જેને મેડિકલની પરિભાષામાં એન્ટી-ડીના નામે ઓળખવામાં આવે છે. તેમના બ્લડમાં પ્લાઝમાનું પ્રમાણ પણ ઘણું વધારે છે. આ બંને બાબતો એવી હતી કે જે ભાગ્યે જ કોઈ એક વ્યક્તિમાં હોય. તબીબોએ તેમના રક્તમાંથી મળી આવતાં પ્લાઝમાનું મહત્ત્વ સમજાવ્યું અને નેગેટિવ બ્લડગૃપ ધરાવતી ગર્ભવતી મહિલાઓ માટે એન્ટી-ડી પ્લાઝમા કેવો ભાગ ભજવે છે તે પણ જણાવ્યું. રીસસ નામની દુર્લભ બીમારી ધરાવતી ગર્ભવતી મહિલાઓને એન્ટી-ડી પ્લાઝ્ન્ના ઈન્જેક્શનની જરૂર પડે છે. જો એ ન મળે તો બાળકને બચાવવાનું અશક્ય બની જાય. તેમણે આ વાત સમજ્યા પછી વારંવાર બ્લડ ડોનેશન કર્યું. પછી તો ખાસ ટેકનિકથી તેમના શરીરમાંથી પ્લાઝ્મા મેળવી લઈને રક્ત ફરીથી તેમના જ શરીરમાં ચડાવી દેવાની તરકીબ શોધી કાઢવામાં આવી.
તેના પરિણામે જેમ્સ હેરિસને ૧૧૭૩ વખત બ્લક ડોનેટ કર્યું હતું. પહેલી વખત ૧૮ વર્ષે બ્લડ ડોનેટ કર્યા બાદ તેમણે ૬૩ વર્ષ સુધી સતત બ્લડ ડોનેટ કરીને લગભગ ૨૪ લાખ બાળકોનો જીવ બચાવ્યો. છેલ્લી વખત ૮૧ વર્ષની વયે તેમનું પ્લાઝ્મા લેવાયું હતું. રસપ્રદ બાબત એ હતી કે બ્લડ ડોનેશન શરૂ થયું તે અને છેલ્લી વખત બ્લડ ડોનેટ કર્યું તેમાં માત્ર આંકડાંની ફેરબદલ છે – ૧૮ અને ૮૧.
જેમ્સ હેરિસન બ્લડ ડોનેશનના જાણે ગ્લોબલ એમ્બેસેડર હતા. તેમને યુએન સહિત કેટલીય સંસ્થાઓએ સન્માનિત કર્યા હતા.
એક ઓપરેશનના કારણે તેમનું જીવન બદલાયું હતું
જેમ્સ હેરિસન ૧૪ વર્ષના હતા ત્યારે તેમને એક ઓપરેશન કરાવવું પડયું. ૧૯૫૦ના ગાળામાં રક્તદાનની એટલી જાગૃતિ ન હતી. તે સમયે જેમ્સ હેરિસનને ૧૩ યુનિટ બ્લડ ચડાવવું પડયું હતું. એ વખતે માંડ આટલા રક્તની વ્યવસ્થા થઈ હતી. જો ત્યારે આટલું રક્ત ન મળ્યું હોત તો તેમનો જીવ બચ્યો ન હોત. એ વાત સમજતા હોવાથી તેમણે મનોમન આજીવન રક્તદાનનો નિર્ધાર કર્યો હતો. ૧૮ વર્ષે રક્તદાન કરી શકાય. તેઓ ૧૮ના થયા કે રક્તદાન કર્યું હતું અને પછી જે રક્તદાતાઓએ તેમને રક્ત આપ્યું હતું. એનું જાણે ઋણ ચૂકવતા હોય એમ ૨૪ લાખ બાળકોનો જીવ બચાવ્યો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is