best news portal development company in india

વાલિયા ખાતે થયેલ શિક્ષક દંપતિની હત્યાનો ભેદ ઉકેલાયો : દેવું થતા જમાઈએજ લુંટ કરી સાસુ સસરાને મોતને ઘાટ ઉતાર્યા

SHARE:

(જ્યશીલ પટેલ,ઝઘડિયા)

ભરૂચ જીલ્લાના વાલિયા ખાતે રહેતા શિક્ષક દંપતિની થયેલ હત્યાનો ભેદ ઉકેલીને પોલીસે દંપતિના જમાઈને હત્યાના ગુના હેઠળ ઝડપી લીધો હતો.

વિગતો અનુસાર ગત તા.૦૪/૦૩/૨૦૨૫ થી તા.૦૫/૦૩/૨૦૨૫ સુધીના  સમય દરમ્યાન વાલિયા નગરની ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક જિતેન્દ્રસિંહ બોરાઘરા અને તેમના શિક્ષીકા પત્ની  લતાબેન બોરાઘરાની તેમના મકાનમાં કોઇ અજાણ્યા ઈસમે કોઈ હથિયારથી હત્યા કરી હોવાની ઘટના બની હતી.આ દંપતિની હત્યા થઈ હોવાની ખબર પડતા મરણ જનાર શિક્ષકના સાળાએ વાલિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવી હતી.આ ગુનાની ગંભીરતા જોતા વડોદરા વિભાગ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તેમજ ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ ઘટના સ્થળની મુલાકાત લઈને ઝઘડિયા નાયબ પોલીસ અધિક્ષક,એસઓજી ભરૂચ,એલસીબી ભરૂચ તેમજ સ્થાનિક વાલિયા પોલીસને આ હત્યાના ગુનાની તપાસ કરીને તાત્કાલિક આરોપીને ઝડપી લેવા સુચના આપી હતી.પોલીસ દ્વારા એફ.એસ.એલ.ટીમ, ડોગ સ્કોવોડ, ફીંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદ લઈ ગુનાનો ભેદ ઉકેલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.દરમ્યાન ઝઘડિયા નાયબ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાએ વાલિયા પોલીસ મથક ખાતે કેમ્પ રાખીને પોલીસની તપાસ ટીમને માર્ગદર્શન આપ્યું હતું.પોલીસની તપાસ ટીમો દ્વારા ગુનાવાળી જ્ગ્યાની આસપાસના તેમજ વાલિયાથી વ્યારા સુધીના માર્ગ ઉપર આવેલા ટોલપ્લાઝા,પેટ્રોલપંપો,હોટલો વિગેરેના મળીને આશરે ૧૩૦ જેટલા સીસીટીવી ફુટેઝ એકત્રીત કરીને તપાસવામાં આવેલ.ઉપરાંત આ ગુનાને શોધી કાઢવા  હ્યુમન સોર્સિશ તથા ટેક્નિકલ સોર્સની પણ મદદ લેવામાં આવી હતી.તપાસ દરમ્યાન પોલીસને બાતમી મળેલ કે આ શિક્ષક દંપતિની હત્યા કરવામાં તેમના જમાઈ વિવેક રાજેન્દ્ર દુબે રહે.વ્યારા જી.તાપીનાની સંડોવણીની શક્યતા છે,જેથી તપાસ ટીમ દ્વારા શંકાસ્પદ વિવેક દુબેને ઝડપી લઈને વાલિયા પોલીસ મથક ખાતે લઈ આવીને તેની સઘન પુછપરછ હાથ ધરતા સદર આરોપી ભાંગી પડેલ અને જણાવેલ કે તેણે બેંક લોન ઉપરાંત અન્ય અલગ અલગ જગ્યાએથી વ્યાજે નાણા લીધેલ હોય તેમજ શેરબજારમાં છેલ્લા છ માસ દરમ્યાન ત્રીસથી પાંત્રીસ  લાખ જેટલી રકમ હારી ગયેલ હોવાથી આર્થિક તકલીફમાં આવી ગયેલ.તેના સાસુ સસરા આર્થિક રીતે સધ્ધર હોવાની તેમજ રોકડ રકમ તથા સોનાચાંદીના દાગીના વાલિયા ખાતે તેમના ઘરે મુકી રાખતા હોવાની તેને જાણ હતી.ઉપરાંત પોતાને ઘર સંસારમાં પણ સસરા અવાર નવાર વચ્ચે આવતા હોવાથી સાસુ-સસરાનો કાંટો કાઢી નાંખીને દાગીના તથા રોકડા રૂપિયા લૂંટી જવાનો પ્લાન ઘડી કાઢેલ હતો.પ્લાન મુજબ તે પોતાની ફોરવ્હિલ કાર લઈને  વ્યારાથી વાલિયા આવ્યો હતો અને આ ગુનાને અંજામ આપીને ઘર માંથી રોકડ રકમ તથા સોના ચાંદીની જણસોની લૂંટ કરી હતી.આરોપીએ આ મુજબ હકિકત જણાવતા વાલિયા પોલીસ દ્વારા તેની ધરપકડ કરીને આરોપીએ આ ગુનામાં ઉપયોગ કરેલ હથીયાર,ફોરવ્હિલ કાર,લૂંટ માંથી મેળવેલ રોકડ તથા સોના ચાંદીની જણસો વિગેરે મુદ્દામાલ કબ્જે લીધા હતા.સદર કામગીરી ભરૂચ એલસીબી પીઆઈ  એમ.પી.વાળા,પીએસઆઈ ડી.એ.તુવર તથા પીએસઆઈ આર.કે.ટોરાણી તેમજ એલસીબી સ્ટાફ,ભરૂચ એસઓજી પીઆઈ એ.એ.ચૌધરી તથા પીઆઈ એ.એચ.છૈયા તેમજ એસઓજી ટીમ, વાલિયા પીઆઈ એમ.બી.તોમર તથા વાલિયા પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!