best news portal development company in india

કેનેડામાં ભારતીય મૂળના સાંસદને ખાલિસ્તાનીઓ વિરુદ્ધ બોલવું ભારે પડ્યું, ચૂંટણીમાંથી પત્તું કપાયું

SHARE:

કેનેડાની સત્તાધારી લિબરલ પાર્ટીએ આગામી સંસદીય ચૂંટણી પહેલા એક મોટો નિર્ણય લીધો છે અને તેમાં સાંસદ ચંદ્ર આર્યની ઉમેદવારી રદ કરી દેવામાં આવી છે. ભારતીય મૂળના હિન્દુ સાંસદ ચંદ્ર આર્ય નેપિયન મતવિસ્તારમાંથી ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. તેઓ ખાલિસ્તાન સમર્થક તત્ત્વો વિરુદ્ધ સ્પષ્ટવક્તા તરીકે જાણીતા છે. આ પગલાથી કેનેડિયન રાજકારણમાં એક નવો વિવાદ સર્જાયો છે.

ચંદ્ર આર્યએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે, પાર્ટીએ તેમની ટિકિટ કાપી નાખી છે. લિબરલ પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા પત્ર મુજબ ચૂંટણી પ્રચાર અભિયાનના અધ્યક્ષે ચંદ્ર આર્યની યોગ્યતાની વિસ્તૃત સમીક્ષા કરી હતી. ત્યાર બાદ તેમની ટિકિટ રદ કરવાની ભલામણ કરવામાં આવી હતી, જેનો પાર્ટીએ સ્વીકાર કરી લીધો છે. આર્યએ આ નિર્ણયને “અત્યંત નિરાશાજનક” ગણાવ્યો હતો, પરંતુ કહ્યું કે તેનાથી નેપિયન લોકોની સેવા કરવામાં તેમના સન્માન અને ગર્વમાં કોઈ ઘટાડો નહીં થાય.

‘મેં એક સાંસદ તરીકે કરેલા કામથી મને ગૌરવ છે’

તેમણે વધુમાં લખ્યું કે, મને લિબરલ પાર્ટી દ્વારા જાણ કરવામાં આવી કે, ‘નેપિયનમાં આગામી ચૂંટણી માટે મારું નામાંકન રદ કરવામાં આવ્યું છે. જો કે આ સમાચાર ખૂબ જ નિરાશાજનક છે. પંરતુ તેનાથી નેપિયન લોકો અને દરેક કેનેડિયન લોકોની 2015થી સંસદ સભ્ય તરીકે ગૌરવ અને વિશેષાધિકાર ઓછો નહીં થાય. છેલ્લા કેટલાક વર્ષોથી મેં આ ભૂમિકામાં દિલથી કામ કર્યું છે. મેં એક સાંસદ તરીકે કરેલા કામથી મને ગૌરવ છે. નેપિયનવાસીઓની મેં અતૂટ સેવા આપી છે, કેનેડિયન લોકો માટે આ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર મેં જે સૈદ્ધાંતિક વલણ અપનાવ્યું છે અને મુશ્કેલ સમયમાં હું જે કારણોને લઈને ઊભો રહ્યો છું તેના પર મને ગર્વ છે. મારા સમુદાય અને દેશની સેવા કરવી મારા જીવનની સૌથી મોટી જવાબદારી રહી છે અને તેના માટે હું દરેક પળે આભારી છું.’

ખાલિસ્તાન વિરોધી વલણ અને પીએમ મોદી સાથેની મુલાકાત કારણ હોવાનું અનુમાન 

ઉલ્લેખનીય છે કે, લિબરલ પાર્ટીએ આર્યની ઉમેદવારી રદ કરવા પાછળ કોઈ સ્પષ્ટ કારણ આપ્યું નથી, જેને લઈને ઘણા સવાલો ઊભા થયા છે. કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે તેમના ખાલિસ્તાન વિરોધી વલણ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતથી પાર્ટીમાં અસ્વસ્થતા ઊભી થઈ હશે. ગયા વર્ષે ઑગસ્ટમાં આર્ય નવી દિલ્હીમાં પીએમ મોદીને મળ્યા હતા, જેને કેનેડિયન સરકારે “ખાનગી પહેલ” ગણાવી હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!