ભુસ્તર વિભાગે એક ટ્રક ત્રણ ટ્રેકટર તેમજ એક જેસીબી મશીન મળી કુલ રૂપિયા ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ઝઘડિયા તાલુકામાં અન્ય ખનિજ ખનનની સાથસાથે ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિ પણ વ્યાપક બની છે
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ ભુસ્તર વિભાગની ટીમે ઝઘડિયા તાલુકાના લિંભેટ ગામેથી કથિત ગેરકાયદેસર માટી ખોદકામની પ્રવૃત્તિ ઝડપી લઇને કુલ રૂપિયા ૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી રેતી સિલિકા પત્થર જેવી વિવિધ ખનિજોમાં મોટાપાયે રોયલ્ટી ચોરી ઓવરલોડ જથ્થો ભરવો જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે.તાલુકામાં રહેલી વિપુલ ખનિજ સંપતિનો ગેરલાભ ઉઠાવી ખનિજ માફિયા પોતાની તિજોરી છલકાવી રહ્યા છે અને મોટી રોયલ્ટી ચોરી કરીને સરકારી તિજોરીને રીતસરનો ચુનો લગાડી રહ્યા છે,ત્યારે જિલ્લા ભુસ્તર વિભાગની ટીમે તાલુકામાં બેફામ બનેલ ખનિજ માફિયાઓને ઝડપી લઈને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરતા તાલુકામાં ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
મળતી વિગતો મુજબ ગતરોજ જિલ્લા ભુસ્તર વિભાગે તાલુકાના લિંભેટ ગામે ચાલતી માટી ખોદકામની પ્રવૃત્તિ પર આકસ્મિક રેઈડ કરી માટી ખનનમાં વપરાતા એક ટ્રક,ત્રણ ટ્રેકટર તેમજ એક જેસીબી મશીન મળી કુલ રુપિયા ૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઈને આ વાહનો ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકે સોંપીને કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.મળતી વિગતો મુજબ લિંભેટના અર્જુન સુપડભાઈ વસાવા પાસેથી એક ટ્રક તેમજ એક જેસીબી મશીન મળી કુલ રૂપિયા ૩૫ લાખનો મુદ્દામાલ,લિંભેટના મહેશ વિજયભાઈ વસાવા અને વિજય રતનાભાઈ વસાવા પાસેથી એક ટ્રેક્ટર કિંમત રૂપિયા ૫ લાખનો મુદ્દામાલ,લિંભેટના શૈલેશ જયંતીભાઈ વસાવા પાસેથી એક ટ્રેકટર કિંમત રૂપિયા ૫ લાખનો મુદ્દામાલ તેમજ લિંભેટના કેવિન ચંદુભાઈ વસાવા પાસેથી એક ટ્રેકટર કિંમત રૂપિયા ૫ લાખનો મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૫૦ લાખનો મુદ્દામાલ ભુસ્તર વિભાગે કબ્જે લઈને લિંભેટ ગામે ઝડપાયેલ આ માટી ખોદકામની પ્રવૃત્તિ બાબતે કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.
અત્રે નોંધનીય છેકે તાલુકામાં વિવિધ ગ્રામ પંચાયતોની હદમાં આવી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય ત્યારે સંબંધિત ગ્રામ પંચાયતો દ્વારા આ બાબતે તાલુકા જિલ્લા સ્તરે રજુઆત કરવી જોઈએ,પરંતું તાલુકામાં ઘણી ગ્રામ પંચાયતોની હદમાં ગેરકાયદેસર ખનિજ ખનન ચાલતું હોવાથી જેતે સ્થળના સ્થાનિક પદાધિકારીઓ પણ શંકાના દાયરામાં આવે તે સ્વાભાવિક ગણાય !

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is