– રાજપારડી નજીક અજાણ્યા વાહનની અડફેટે સીંગચણાની લારી ફેરવતા ઈસમનું મોત : ગોવાલી નજીક હાઈવા ટ્રકે અડફેટમાં લેતા મોપેડ સવાર દંપતિને ઈજા
(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકા માંથી પસાર થતા ધોરીમાર્ગ પર દિવસે દિવસે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.ત્યારે હાલ બે અકસ્માતોમાં એક ઈસમનું મોત થયું હતું અને અન્ય બે ઘવાયા હતા.ગત રાત્રી દરમ્યાન સારસા રાજપારડી વચ્ચે સીંગચણાની લારી ફેરવીને ગુજરાન ચલાવતા એક પરપ્રાંતિય શ્રમજીવીનું મોત નીપજ્યું હતું.મુળ ઉત્તરપ્રદેશનો રહીશ અને હાલ રાજપારડી ખાતે રહીને સીંગચણાની લારી ફેરવતો રામબરન મહારાજદીન બહેલિયા નામનો ૪૫ વર્ષીય ઈસમ રાજપારડી નજીકના સારસા ગામે સીંગચણાની લારી લઈને ગયો હતો.ત્યાર બાદ તે રાજપારડી પાછો ફરતો હતો તે દરમ્યાન રાતના પોણા આઠ વાગ્યાના અરસામાં રાજપારડી માધુમતી ખાડીના પુલ નજીક કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટમાં લેતા રામબરનને ગંભીર ઈજાઓ થતાં તે લોહીલુહાણ થઇ ગયો હતો.ઈજાગ્રસ્તને એમ્બ્યુલન્સમાં અવિધા સરકારી દવાખાને લઈ જવાયો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ પામેલ જાહેર કર્યો હતો.અકસ્માતની ઘટના સંદર્ભે રાજપારડી પોલીસે અકસ્માત કરી પોતાનું વાહન સ્થળ ઉપરથી લઇને નાશી ગયેલ અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથધરી હતી.
ઉલ્લેખનીય છે કે ઘટના સ્થળથી લઈને રાજપારડી ચાર રસ્તા વચ્ચે ઘણા ધંધાકીય સ્થળોએ સીસી ટીવી કેમેરા ઉપલબ્ધ છે,ત્યારે પોલીસ દ્વારા સઘન રીતે સીસી ટીવી કેમેરા ચેક કરવામાં આવેતો અકસ્માત કરી નાશી ગયેલ વાહન ઝડપાય તેવી સંભાવના છે.અન્ય અકસ્માતમાં તા.૮ મીના રોજ રાતના નવ વાગ્યાના અરસામાં ગોવાલી નજીક એક હાઈવા ટ્રકે અડફેટમાં લેતા એકટિવા મોપેડ સવાર ધનરાજ મંગાભાઈ પટેલ રહે.ગામ ગોવાલી અને તેમના પત્ની ઈજાગ્રસ્ત થયા હતા.તેમજ મોપેડને નુકશાન થયું હતું.ઘટના સંદર્ભે ઝઘડિયા પોલીસે હાઈવા ટ્રકના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથધરી હતી.







