– સ્પર્ધાના વિજેતા ગામને MNRE ભારત સરકાર તરફથી સેન્ટ્રલ ફાઈનાન્સ આસિસ્ટન્ટ તરીકે એક કરોડની રકમ આપવામાં આવશે
ભરૂચ,
ભરૂચ જીલ્લામાં મોડેલ સોલાર વિલેજ યોજનાને વિકસાવવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચની કે.જે.ચોકસી પબ્લિક લાયબ્રેરીના હોલ ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સિનિયર એન્જિનિયર હેમાંગ મોદીની ઉપસ્થિતિમાં મોડેલ સોલાર વિલેજની માહિતી પુરી પાડવા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જીલ્લાના ૫૦૦૦થી વધુ વસ્તી ધરાવતા ૨૬ ગામોના સરપંચ અને તલાટીઓ યોજના વિશે માહિતગાર કરાવી જરૂરી – ફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જેમાં જીલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે,લીડ બેન્કના અધિકારી,કે.પી.સોલારના આગેવાન સહિત અન્ય અધિકારીઓ સરપંચો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોડેલ સોલાર વિલેજ યોજના હેઠળ તારીખ ૧ લી એપ્રિલ ૨૦૨૫ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન યોજાનાર સ્પર્ધામાં ભાગ લઈ રહેલ ભરૂચ જીલ્લાના ૫૦૦૦ થી વધુ વસ્તી ધરાવતા ૨૬ રેવન્યુ ગામોના સરપંચ અને તલાટીઓને યોજનાની વિસ્તૃત માહિતી આપવા સાથે ખર્ચ અને લોન અંગે પણ જાણકારી આપવામાં આવી હતી.મોડેલ સોલાર વિલેજ યોજના અંતર્ગત વિવિધ સરકારી કચેરીઓ ઉપર સોલાર રૂફટોપ લગાવવા પણ સુચન કરાયું હતું.આ મોડેલ સોલાર યોજના સ્પર્ધા અંગે ડી.જી.વી.સી.એલના સિનિયર એન્જિનિયર હેમાંગ મોદીએ માહિતી આપી આ સ્પર્ધા દરમ્યાન સૌથી વધુ સૂર્ય વીજળીનું ઉત્પાદન કરનાર ગામને MNRE ભારત સરકાર તરફથી સેન્ટ્રલ ફાઈનાન્સ આસિસ્ટન્ટ તરીકે એક કરોડની રકમ આપવામાં આવશે જેમાંથી ગામના વિવિધ વિકાસ કાર્યો કરી શકાશે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is