રાજ્યમાં ભ્રષ્ટાચારી બાબુઓ અવાર-નવાર લાંચ લેતાં પકડાતા હોય છે. ત્યારે એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા છટકું ગોઠવી લાંચિયા આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને નિવૃત્ત ડીન ગિરીશ પરમારને લાંચ લેતા રંગહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. ફરિયાદીના તરફેણમાં કામગીરી કરવા માટે ફરિયાદી અને તેમના ડૉક્ટર મિત્ર પાસે 30 લાખ રૂપિયાની મસમોટી લાંચ માંગી હતી. ત્યારે ફરિયાદએ એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરી હતી અને આરોપીને 15 લાખની રકમ એડવાન્સ પેટે સ્વીકારતા ઝડપી પાડ્યા હતા.
ફરિયાદી જેઓ અગાઉ ભાવનગર ખાતે નાયબ નિયામક (આરોગ્ય અને તબીબી સેવાઓ) તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન તેઓના દ્વારા આરોગ્ય વિભાગનાં સ્ટાફ સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કરી હતી. જેથી ફરિયાદી સામે ખંડણી માંગણીની ફરિયાદ કમિશનર આરોગ્ય વિભાગને કરવામાં આવી હતી અને ફરિયાદી તથા તેઓના સાથી ડોકટરને ફરજ મોકુફ પર ઉતારી દેવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગ દ્વારા બંને ડોકટર સામે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હતી અને તપાસ અધિકારીએ આ ખાતાકીય તપાસ ઓકટોબર-2024માં પૂર્ણ કરી પોતાનો અહેવાલ જાન્યુઆરી-2025માં જમા કરાવ્યો હતો.
આ સમયગાળા દરમ્યાન ગિરીશભાઇ જેઠાલાલ પરમાર જે સરકારી ડેન્ટલ કોલેજ, અસારવા અમદાવાદ ખાતેના નિવૃત્ત ડીન હતા. તેમણે ફરિયાદીનો સંપર્ક કરીને ફરિયાદી તથા તેમના સાથી ડોકટર બન્ને વિરૂદ્ધની પ્રાથમિક તપાસનાં કામે તરફેણમાં કાર્યવાહી કરાવવા માટે દીનેશભાઇ પરમાર, અધીક સચીવ (તપાસ), વર્ગ-1 આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સાથે મીટિંગ કરવા બોલાવ્યા હતા.
જેથી ફરિયાદી અને તેમના સાથી ડોકટર મિત્ર ગાંધીનગર ખાતે જઇને ગિરીશ પરમાર અને દિનેશ પરમારને રૂબરૂમાં મળી વાતચીત કરી હતી. આ દરમિયાન બન્ને આરોપીઓએ તેમની પાસેથી રૂ. 30,00,000/- ની લાંચની માંગણી કરી હતી. જેમાં તે પૈકી રૂ.15,00,000/- એડવાન્સ અને બાકીના ફરિયાદીનું કામ થઇ ગયા પછી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ આરોપી ગિરીશ પરમાર ફરિયાદીને ટેલીફોન કરી નાણાંની માંગણી કરતા હતા. પરંતુ ફરિયાદી લાંચનાં નાણાં આપવા માંગતા ના હોઇ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેપ દરમ્યાન ગિરીશ પરમારે શાહીબાગ અમદાવાદ ખાતે ફરિયાદીને પોતાના ઘરે લાંચનાં નાણાં આપવા બોલાવ્યા હતા. આ દરમિયાન ફરિયાદી સાથે નક્કી થયેલા વાયદા મુજબ એડવાન્સ પેટે 15 લાખ રૂપિયા સ્વીકારતાં રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is