– રૂા.૧૧૫૪.૧૮ લાખના ખર્ચે અંકલેશ્વર મુકામે બાંધવામાં આવનાર નવિન બસ સ્ટેશન તથા ડેપો-વર્કશોપ તેમજ રૂા. ૨૬૬.૯૭ લાખના ખર્ચે તૈયાર થનારા ભરૂચ (જીએનએફસી) નવિન બસ સ્ટેશનથી પરિવહનની સુવિધાઓ વધુ અસરકારક બનશે
ભરૂચ,
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે બાંધવામાં આવનાર નવિન બસ સ્ટેશન અને ડેપો વર્કશોપ તથા ભરૂચ (જીએનએફસી) બસ સ્ટેશનનો ખાતમુહુર્ત સમારોહ અંકલેશ્વર સીટી બસ સ્ટેશન ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.આ પ્રસંગે અંકલેશ્વર- હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખલલીતાબેન રાજપુરોહીત ઉપસ્થિત રહ્યા હતા.આ વેળાએ ભરૂચ જિલ્લાના વિભાગીય નિયામક આર.પી.શ્રીમાળીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું.
અધ્યક્ષસ્થાનેથી સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં એસટી વિભાગ સુંદર સેવાઓ આપી રહ્યો છે ત્યારે તે ફક્ત ગુજરાતના જ નહીં પરંતુ ગુજરાતની બહારના સ્થળોને પણ આવરી લે છે.ગરીબ અને મધ્યમ વર્ગના માણસોની તકલીફ દૂર કરવા સરકાર સુવિધા પૂરી પાડવા માટે હંમેશા તત્પર રહે છે. અંકલેશ્વર ખાતે બનાવવામાં આવનાર એસ.ટી. ડેપો- વર્કશોપથી બસોની નિયમિત તેમજ પ્રિવેન્ટીવ મેન્ટેનન્સની કામગીરી થશે. જેનાથી અંકલેશ્વર – ભરૂચ ડીવીઝન વિસ્તાર સહિત બસ મુસાફરી વધુ અસરકારક બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.નોંધનીય છે કે એસ.ટી એ ગુજરાતની જીવાદોરી સમાન છે.ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરિયાતો, વૃદ્ધો અને દર્દીઓ એસ.ટી. બસોમાં નિયમિત અને કરકસરયુક્ત ખર્ચે સલામત મુસાફરી કરે છે.
ઘારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પ્રાસગિંક ઉદ્બોધનમાં કહ્યું હતું કે આજે આપણા સૌ માટે આનંદનો દિવસ છે. દેશનું ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતની ઓળખ ઉભી થઈ છે અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અમલ કરવામાં પણ સતત ગુજરાત અગ્રેસર રહ્યું છે.ત્યારે વિવિધ જનકલ્યાણની યોજનાઓનો મહત્તમ લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.આ વેળાએ રાજય સરકાર તરફથી નિગમને ઈનફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન પેટે ફાળવેલ સહાય થકી ભરૂચ અને અંકલેશ્વરને સુવિધાઓ પ્રાપ્ત થાય છે તે સરાહનિય છે. આપણી જાહેર મિલકતનું જતન અને સ્વચ્છ રાખવું આપણી ફરજ બને છે.તેમજ આ વેળાએ ભરૂચ જિલ્લા આગેવાન પ્રકાશભાઈ મોદીએ પણ પ્રાસગિંક ઉદબોધન કર્યું હતું.
રાજય સરકાર તરફથી નિગમને ઈનફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન પેટે ફાળવેલ સહાય થકી ભરૂચ એસ.ટી વિભાગના અંકલેશ્વર મુકામે જુના અને જર્જરીત બસ સ્ટેશન તથા ડેપો વર્કશોપના સ્થાને ૧૬,૩૨૮.૭૯ ચો.મી જમીન વિસ્તારમાં રૂા. ૧૧૫૪.૧૮ લાખના ખર્ચે આર.સી.સી ફ્રેમ સ્ટ્રકચરવાળા નવિન બસ સ્ટેશન તથા ડેપો- વર્કશોપ તેમજ ભરૂચ (જીએનએફસી) બસ સ્ટેશન કે જે ૧૮૦૦ ચો.મી જમીન વિસ્તારમાં રૂા.૨૬૬.૯૭ લાખના ખર્ચે જુના અને જર્જરીત બસ સ્ટેશન ડીમોલીશન કરીને નવિન બસ સ્ટેશન બનાવવાના કામનું ખાતમુહુર્ત સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વર- હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે સંપન્ન થયું હતું.
અંકલેશ્વર તથા ભરૂચ ખાતે નવિન બાંધવામાં આવનાર આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળા નવિન ડેપો-વર્કશોપમાં એડમીન રૂમ, ટાયર રૂમ, બેટરી રૂમ, સ્ટોર રૂમ, ઓઈલ રૂમ, ઈલેકટ્રીક રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ, મીકેનીકલ રેસ્ટ રૂમ, રેકોર્ડ રૂમ, લોકર્સ રૂમ, વોટર રૂમ, લોન્ગ પીટ, શોર્ટ પીટ, સરકયુલેશન વિસ્તારમાં આર.સી.સી. ટ્રી-મીક્ષ ફલોરીંગ, ડેપો મેનેજર ઓફીસ (ટોઈલેટ સહિત) સહિતની સગવડતા તથા સુવિધાઓ આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી બી.એ.જાડેજા, ભરૂચ જિલ્લા વિભાગીય નિયામક નિયામક આર.પી.શ્રીમાળી, અંકલેશ્વર નગર પાલિકાના હોદ્દેદારો, આગેવાન પદાધિકારીઓ, એસ.ટી.નિગમના અધિકારી અને કર્મચારીગણ સહિત મહાનુભાવો – નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is