ભરૂચ,
દર વર્ષે તા.૨૫ એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે.મચ્છરજન્ય રોગચાળો ન ફેલાઇ અને અગાઉથી જ મચ્છર ઉત્પતિ સ્થાનોને નિયંત્રિત કરવા માટે જનજાગૃત્તિ વધે તે માટે ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતેથી મેલેરિયા જનજાગૃત્તિ રેલીનું જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને અન્ય મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતુ.
રેલીના માધ્યમથી સ્ટેશન વિસ્તાર, જિલ્લા પંચાયત વિસ્તાર સહિતના શહેરના મુખ્ય વિસ્તારોમાં મેલેરિયાને લઈને જનજાગૃત્તિ પ્રસરાવવામાં આવી હતી.રેલીમાં મેલેરિયા શાખાના અધિકારી, જિલ્લાના આરોગ્ય અધિકારીઓ, સરકારી હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓ જોડાયા હતા.
મચ્છર ઉત્પતિ સ્થાનોને જો અગાઉથી જ નિયંત્રિત કરવામાં આવે તો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગનો ફેલાવો અગાઉથી જ અટકાવી શકીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે જૂન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ચોમાસાની ઋતુ નજીક છે.મચ્છરથી થતાં મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગને ફેલાતા અટકાવવા માટે ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આગોતરા આયોજન સાથે દર વર્ષે કામગીરી કરવામાં આવે છે.
વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે જનજાગૃત્તિ રેલીના માધ્યમથી શહેરના નાગરિકો આગોતરી તકેદારી રાખે અને મેલેરિયા સહિતના મચ્છરજન્ય રોગ ન ફેલાઇ તેની કાળજી રાખવા માટે સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો.
જિલ્લાના નાગરિકો પણ આ અંગે જાગૃત્ત બને, મચ્છરના ઉપદ્રવના સ્થાનોને નિયંત્રિત કરે તે જરૂરી છે.માદા એનોફિલીસ એ મચ્છર મેલેરિયાનો ફેલાવો કરે છે, જે મોટેભાગે રાત્રે કરડે છે. માદા એડીસ મચ્છરથી ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝીકા વાયરસ ફેલાઇ છે. આ તમામ મચ્છરજન્ય રોગને અગાઉથી જ ફેલાતો અટકાવવા માટે મચ્છર ઉત્પતિ અટકાવવી જરૂરી છે.જ્યાં ચોખ્ખું-ખુલ્લું અને બંધિયાર પાણી મળે ત્યાં મચ્છર ઉત્પતિ થાય છે. આથી પાણી સંગ્રહના તમામ પાત્રો, હવાચુસ્ત ઢાંકીને રાખવા સાથે ઘરમાં કે ઘરની બહાર ક્યાંય પાણીનો ભરાવો ન થવા દેવો, ફ્રિજની પાછળની ટ્રે, પક્ષીકુંજ, પશુઓને પાણી પીવાની કુંડી સહિત સ્થાનો પર પાણી ખાલી કરવા, તેને સુકાવા દેવા. છત, છાજલી, અગાસી પર પડેલા નકામા ભંગાર, ટાયર વગેરેનો યોગ્ય નિકાલ કરવો.ખુલ્લા ટાંકા, અવેડા કે જ્યાં કાયમ પાણી ભરાયેલું રહેતું હોય તેવા સ્થાનો પર પોરાભક્ષક માછલી – ગપ્પી કે ગામ્બુશીયા મૂકવા સહિતની કાળજી લેવી જોઇએ, જેથી મચ્છરજન્ય રોગચાળાને ફેલાતા પૂર્વે અટકાવી શકાય.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is