ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ કરીને મકાન ભાડે આપીને મોટાપાયે કાળો કારોબાર કરનાર લલ્લા બિહારીના સામ્રાજ્યની એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. જેમાં લલ્લા બિહારીની ચારેય પત્નીના અલગ અલગ મકાનમાં તપાસ કરીને ક્રાઇમબ્રાંચે નાણાં ગણવા માટેનું મશીન અને થેલા ભરીને ભાડા કરાર, મકાનોના ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા હતા.
અમદાવાદ ક્રાઇમબ્રાંચે લલ્લા બિહારીના કાળા કારોબારની ચોંકાવનારી વિગતો એકઠી કરી છે. જેમાં જાણવા મળ્યું હતું કે લલ્લા બિહારીની ચાર પત્ની દાણીલીમડા વિસ્તારમાં રહે છે. પોલીસે તેની ચારેય પત્ની જમીલાબાનું, ફિરોઝાબાનુ, તમન્ના અને રૂખશાનાબાનુના નિવેદન નોંધ્યા હતા.
સાથે સાથે તેમના ચારેય મકાન પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પોલીસને નુરે અહેમદી સોસાયટીના મકાનમાં નાણાં ગણવાનું મશીન મળી આવ્યું હતું. તેમજ ભાડા કરારની કોપી, ભાડા રસીદો, મકાનના દસ્તાવેજ મળી આવ્યા હતા. આ ઉપરાંત, મોટાપ્રમાણમાં રોકડ અને સોના દાગીના પણ જપ્ત કરાયા હતા. આમ, થેલા ભરીને મળી આવેલા દસ્તાવેજ પોલીસ માટે મહત્વની બની રહેશે અને ચોંકાવનારી વિગતો સામે આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે લગભગ અઢી દિવસની કામગીરી બાદ ઓપરેશન ચંડોલાને ગુજરાત સરકાર દ્વારા અચાનક જ આટોપી લેવાયું અને તમામ બુલડોઝર અને રોડ ડમ્પર ઘટનાસ્થળેથી ગાયબ જ થઇ ગયાનો દાવો કરવામાં આવ્યો હતો. હવે આ કોના ઈશારે થયું છે તે ચર્ચાનો વિષય છે. આ મામલે રાજકીય દબાણ આવ્યાની પણ ચર્ચા છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is