(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ની જાહેરાતથી ચૂંટણી પ્રક્રિયા સાથે ચૂંટણી સંદર્ભે પ્રચાર-પ્રસાર અને લોક જાગૃતિથી સ્વીપ મતદાન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાની રાહબરી હેઠળ નર્મદા જિલ્લામાં મતદાન જાગૃતિ અંગે ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને આગામી તા.૭મી મે ૨૦૨૪ના રોજ જિલ્લાના સૌ નાગરિકો પોતાનો કિંમતી અને પવિત્ર મતાધિકારનો અચૂક ઉપયોગ કરે અને લોકશાહી પર્વને હર્ષભેર વધાવે તે માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
જિલ્લામાં મતદારો આ લોકશાહી પર્વ મતદાનમાં ભાગ લઈ કોઈપણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહે અને જિલ્લાનું મતદાન મહત્તમ નોંધાય તેવા પ્રયત્નો ચૂંટણી તંત્ર અને વહીવટી તંત્રના સહિયારા પ્રયાસથી કરવામાં આવી રહ્યા છે.તા.૩૧-૦૩-૨૦૨૪ ના રોજ એકતાનગર ખાતે રેવાના તીરે સરદારના સાનિધ્યમાં આ સ્વીપ કાર્યક્રમના ભાગરૂપે SOUના સીઈઓ ઉદિત અગ્રવાલની આગેવાની હેઠળ હાલોલથી એસઓયુ સુધી નર્મદા મેઈન કેનાલના કિનારે-કિનારે ઈન્ડિયન સાયકલ ક્લબ મહેસાણાના ડોક્ટર અને ૮ જેટલા સાયકલવીર સવારી માટે આ યાત્રામાં જોડાયા હતા. આ સાયકલ સવારો રોજની ૫૦-૬૦ કિ.મી. સુધી સાયકલ રોજની ચલાવે છે.તેમની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સી.આઈ.એસ.એફ, એસ.આર.પી, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ફોરેસ્ટના કર્મીઓ, અધિકારીઓ પણ આ સાયકલ યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા અને ૨૦ જેટલા સાઇકલ સવારો દ્વારા હાલોલથી એસઓયુ સુધી અંદાજે ૧૦૦ કિ.મીનું અંતર કાપીને કેનાલના જીરો પોઈન્ટ થી આરોગ્યવન, સ્ટેચ્યુ ઓફ યુનિટી, બસ સ્ટોપ સુધીની એકતાનગરની શાનદાર સવારી કરી હતી આ સાયકલ સવારો અહીંયા આવી પહોંચતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉષ્માભેર સ્વાગત સત્કાર કરવામાં આવ્યો હતો સાયકલ સવારોને લીંબુ પાણી, ચોકલેટ, ફ્રુટ અને સુખડી આપવામાં આવી હતી.
આ પ્રસંગે સૌ ઉપસ્થિત અધિકારીઓ દ્વારા અને સાયકલ વીરો દ્વારા હું અવશ્ય મતદાન કરીશ કેમ્પેઈન અંગે ચિગ્નેચર કરી હતી અને સેલ્ફી સાથે તસ્વીર ખેંચાવી હતી અને સમૂહ તસ્વીર દ્વારા રાજીપો વ્યક્ત કરી અચૂક મતદાન કરીશું તેઓ દ્રઢ સંકલ્પ કર્યો હતો. પરીસરના પ્રવાસીઓને પણ અચૂક મતદાન અંગે પ્રોત્સાહિત કર્યા હતા.દેશ માટે દશ મીનીટના અભિયાનમાં સૌ જોડાયા હતા.