– સંપૂર્ણ અવરજવર માટે બંધ કરાયેલ બ્રિજને હેરિટેજ અથવા વોક માટે ખુલ્લો મૂકવા ભરૂચવાસીઓની માંગ
– અનેક રેલની થપાટો અને હજારો વાહનોનું ભારણ વેઠનાર ગોલ્ડન બ્રિજ છેલ્લા કેટલાક સમયથી નિવૃત્ત થયો!
– તંત્ર દ્વારા વાહનોની અવરજવર બંધ કરવા સહિત બંને છેડે તાળા મારી દેવાયા છે
ભરૂચ,
અનેક તડકા છાંયા જોયા બાદ નર્મદા નદીમાં આવેલ અનેક રેલની થપાટો તેમજ રોજના હજારો વાહનોનું ભારણ છતાં પણ અડીખમ રહેલા ગોલ્ડન બ્રિજને આજે ૧૪૪ વર્ષ પૂર્ણ થતા યુવાનો દ્વારા કેક કટીંગ કરી ઉજવણી કરી હતી.તો છેલ્લા કેટલાક સમયથી આ બ્રિજને સદંતર અવરજવર બંધ કરી દેવામાં આવી છે.જેને હેરિટેજમાં સ્થાન આપવા અને લોકોને વોક માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
ભરૂચની આગવી ઓળખ એવા ગોલ્ડન બ્રિજનું કામ ૧૬ મે ૧૮૮૧ ના દિવસે પૂર્ણ થયુ હતું અને ખુલ્લો મુકાયો હતો.આ બ્રિજને બનાવતા જે તે સમયે એટલો અધધ ખર્ચ થયો હતો કે તેટલામાં આખે આખો સોનાનો બ્રીજ બની જાત અને તેથી આ બ્રિજને ગોલ્ડન બ્રીજ નામ આપવામાં આવ્યું હતુ. ૭ ડિસેમ્બર ૧૮૭૭ માં બ્રિટિશ દ્વારા બ્રિજના નિર્માણની શરૂઆત કરાયું હતું જે ૧૬ મે ૧૮૮૧ માં તૈયાર થતા ડિસેમ્બર ૧૯૯૫ બાદ બ્રિટિશ સરકાર દ્વારા વાહન પરિવહન રેલ્વે બ્રિજ શરૂ કરાયો હતો.જે બાદ ૨૦ એપ્રિલ ૧૯૭૭ સુધી જુનો નેશનલ હાઈવે નંબર ૮ તરીકે કાર્યરત થતા ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો હતો.
ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આ બ્રીજ કરોડરજ્જુ સમાન બની ગયો છે.દક્ષીણ ગુજરાતને મધ્ય ગુજરાત સાથે જોડતી આ એક સમયની મહત્વની કડી હતી.આજે તેના ૧૪૪ માં જન્મ દિવસે દરેક ભરૂચી તેના પ્રત્યે ગૌરવની લાગણી અનુભવતો હશે.ભરૂચનું ગૌરવ એવો ગોલ્ડન બ્રીજ ૧૪૪ વર્ષ પૂર્ણ થતા યુવાનો દ્વારા કેક કટીંગ કરી ઉજવણી કરવામાં આવી હતી.
છેલ્લા કેટલાક સમયથી આ બ્રિજને પહેલા વાહનોની અવરજવર માટે બંધ કરાયો હતો જે બાદ સંપૂર્ણ અવરજવર બંધ કરી હાલ તેના બંને પ્રવેશદ્વાર ખાતે આડશ મૂકી તાળા મારવામાં આવ્યા છે.ત્યારે ગોલ્ડન બ્રિજને હેરિટેજ માં સ્થાન મળે અને લોકોના વોકિંગ માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી યુવા આગેવાન યોગી પટેલ દ્વારા માંગ કરવામાં આવી રહી છે.ત્યારે તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય ધ્યાન આપી ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને હેરિટેજ વોક માં સમાવેશ કરે અથવા તો અહીં મ્યુઝિયમ બનાવવાની દિશા માં ધ્યાન દોરે તે જરૂરી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is