– તલાટી મંડળે હુમલો કરનાર ઈસમો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી
(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા તાલુકાના સારસા ગ્રામ પંચાયતના તલાટી લક્ષ્મણભાઈ પાડવી તથા અંકિતાબેન ગામીત પર ચાલુ ફરજ દરમિયાન ગ્રામ પંચાયત કચેરી ખાતે થયેલ હુમલા બાબતે નાયબ કલેકટર ઝઘડિયાને આવેદનપત્ર પાઠવી હુમલાખોરો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.
આવેદનપત્રમાં તેમણે જણાવ્યું છે કે તા.૧૫.૫.૨૫ ના રોજ સારસા ગ્રામ પંચાયતના તલાટી લક્ષ્મણભાઈ જેમુભાઈ પાડવી તથા અંકિતાબેન ગામીત જેઓ તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે, તેમના પર આકાશ વસાવા તથા અજય વસાવા નામના ઈસમો દ્વારા પંચાયતમાં આવી માં બેન સમાણી ગાળાગાળી કરી પંચાયતના વીસીઈ હરેન્દ્રસિંહ રાજ વિગેરેઓને ગાળો બોલી ફેટ પકડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેઓએ ભરૂચ જિલ્લા પોલીસ તંત્રને આ રીતે કાયદો હાથમાં લઈ ખુલ્લો પડકાર ફેંક્યો હતો.જે ખૂબ ગંભીર બાબત છે આ બાબતે તલાટી કમ મંત્રી દ્વારા રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ છે અને આ ઘટના બાબતે ઝઘડિયા તાલુકાના તલાટી કમ મંત્રીઓમાં ખૂબ રોષની લાગણી ઉભી થયેલ છે અને ભયનો મહાલ પણ બનેલ છે, તલાટી ની કામગીરી બાબતે અસંતોષ હોય તો સરકારી વ્યવસ્થાના ભાગરૂપે વડી કચેરીના અધિકારીને જરૂરી મૌખિકે લેખિત રજૂઆત કરી શકાય છે, પરંતુ આ રીતે જો અરજદાર દ્વારા ફરજ પરના તલાટી પર હુમલો કરીને માર મારવામાં આવે તે કેટલું યોગ્ય છે? જિલ્લાના અંતરિયાળ ગામોમાં મહિલા તલાટી ફરજ બજાવે છે જો આવા હુમલા થશે તો તલાટીની ગ્રામ્ય લેવલે કોઈ સેફટી રહેતી નથી, છેલ્લા બે વર્ષ જેટલા સમયમાં ભરૂચ જિલ્લામાં પાંચ જેટલા તલાટી પર હુમલો કરવાની ઘટનાઓ બનેલ છે તેમ તેમણે જણાવ્યું હતું, વધુમાં તેમણે જણાવ્યું હતું કે તા.૭.૯.૨૦૨૧ ના રોજ ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા મુખ્યમંત્રીને આપેલ આવેદનપત્રના મુદ્દા નંબર ૧૦ માં જણાવ્યું હતું કે ગામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી પર હુમલો કરનાર ઈસમો સામે પાસા લગાવવાની માંગણી કરેલ છે જેના અનુસંધાનમાં સરકારના સેક્શન અધિકારી ગૃહ વિભાગની સૂચના મુજબ ગુજરાત રાજ્યના તમામ પોલીસ કમિશનર તથા પોલીસ અધિક્ષકને આ બાબતમાં આવા બનાવ બન્યે થી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા જણાવેલ છે, જેથી ઝઘડિયા તલાટી મંડળની માંગણી છે કે આવા ઈસમો સામે કડકમાં કડક કાર્યવાહી થાય,જેથી ભવિષ્યમાં કોઈપણ ઈસમ દ્વારા ફરજ કરનાર તલાટી સાથે તેમજ કોઈપણ સરકારી કર્મચારી સાથે આ પ્રકારની ઘટના ન બને અને આ બનાવના આરોપી દ્વારા ફરી માર મારવાની ધમકી આપી સરકારી ફરજ દરમિયાન હુમલા અને સરકારી કામગીરીમાં યોગ્ય નિષ્પક્ષ કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is