– કેવડિયામાં ઘરબાર તોડીને તેમને ઘરની અને ગામની બહાર ખદેડી મૂક્યા છે તેના વિરોધમાં ગુરુવારે મોટી સંખ્યામાં આપણે એકઠા થવાની કરી અપીલ
– સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો સરદાર પટેલજીની 150મી જન્મ જયંતીના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નહીં થવા દેવાની ચીમકી
– નર્મદા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ની બેઠકો આમ આદમી પાર્ટી જીતશે ચૈતર વસાવાનોદાવો
– આદિવાસીઓની પ્રભુત્વ વાળી તમામ 44 બેઠકો પર આદિવાસીઓ એક થઈ જાય તો ભાજપના સૂપડા સાફ થઈ જાય: ચૈતર વસાવા
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંમેલનમાં ધારાસભ્ય ચૈતર વસાવાનો રણ ટંકાર કરતા જણાવ્યું હતું કેનર્મદા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠકો આમ આદમી પાર્ટી જીતવાનો દાવો કર્યો હતો.નર્મદા જિલ્લા પંચાયત અને નર્મદાની પાંચે તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી ઐતિહાસિક જીત મેળવશે.આમ આદમી પાર્ટીની જીત થશે કારણકે લોકોએ ભાજપના ભ્રષ્ટાચાર અને ભાજપની ખોટી વાતો ખૂબ જ જોઈ છે.અહીંના લોકોને ભરમાવીને તેમના મત લેવામાં આવ્યા છે.પરંતુ હવે આદિવાસી સમાજ જાગી ગયો છે.
ભૂતકાળમાં જ્યારે ડેમ બનવાના હતા ત્યારે આદિવાસીઓને વચનો આપવામાં આવ્યા હતા કે તેમને પાણી મળશે, રોજગાર મળશે અને તે જ રીતે રોડ રસ્તા હાઇવે બનાવતી વખતે પણ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વખતે પણ રોજગારના વાયદા કરવામાં આવ્યા હતા.દેશના વડાપ્રધાને જાહેર મંચ પર કહ્યું હતું કે સ્થાનિકોને રોજગારી મળશે અને સ્થાનિક ધારાસભ્ય અને સાંસદો રથ લઈને ગામડે ગામડે ફરતા હતા અને રોજગારીનો વાયદો આપતા હતા.પરંતુ આજે કેવડિયાની બહેન દીકરીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. આ અત્યાચારી લોકોને હું ચેલેન્જ આપવા માગું છું કે તમારા કોઈપણ પ્રકારના અત્યાચારો સામે અમે ઝૂકીશું નહિ અને તમારા તમામ અત્યાચારોનો જવાબ આપવામાં આવશે. વિકાસના નામે આદિવાસીઓનો ક્યાં સુધી ભોગ લેવાશે? નહેરોના નામે, સ્ટેચ્યુના નામે, હાઈડ્રો પ્રોજેક્ટના નામે, લિગ્નાઇટ પ્રોજેક્ટના નામે, સરકારી આવાસોના નામે, જીઆઇડીસીના નામે, કોરિડોરના નામે ક્યાં સુધી અમારી જમીનો લેશો? ક્યાં સુધી અમારે ભોગ આપવાનો? આજે અમારા બાળકો માટે સ્કૂલોમાં શિક્ષકો નથી, યુવાનો પાસે રોજગારી નથી, ખેડૂતો પાસે નર્મદાનું પાણી નથી, દવાખાનાઓમાં પૂરતા ડોક્ટરો નથી, તો ક્યાં સુધી અમારે વિકાસની રાહ જોવાની? હવે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે અમારે તમારા કોઈ વિકાસની જરૂરત નથી.
હું કેવડિયામાં કે ડાંગ, આહવા ભિલોડા કે અરવલ્લીમાં ચૂંટણી લડવા નથી જતો પરંતુ આ કોઈપણ વિસ્તારમાં અમારી માતા બહેન દીકરીઓ સાથે અન્યાય થશે તો અમે તેને સહન કરીશું નહીં, હાલ કેવડિયામાં આપણી માતા બહેનો સાથે જે અન્યાય અને અત્યાચાર કર્યા, તેમના ઘરબાર તોડીને તેમને ઘરની અને ગામની બહાર ખદેડી મૂક્યા છે તેના વિરોધમાં ગુરુવારે મોટી સંખ્યામાં આપણે એકઠા થવાનું છે. આજે કેવડિયામાં આવી ઘટના ઘટી કાલે દેવમોગરા કે બીજા કોઈ પણ વિસ્તારમાં પણ આવી ઘટના કરી શકે છે માટે આપણે તમામે અત્યારે અવાજ ઉઠાવવાનો છે. હવે તમામ લોકોએ એક સાથે મળીને એક મંચ પર આવીને આપણી લડાઈ લડવી પડશે. આમ આદમી પાર્ટી તરફથી પણ તમામ પ્રકારનું સમર્થન છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી, પ્રદેશના પ્રભારી, સહ પ્રભારી, જોન પ્રભારી, જિલ્લા પ્રભારી તમામ લોકો આજે જાણે છે કે હું આદિવાસીઓના હક અને અધિકાર માટે લડત લડુ છું માટે આજે આમ આદમી પાર્ટીના નેતાઓ આપણી સાથે મંચ પર ઉપસ્થિત છે અને આવનારા ગુરૂવારના કાર્યક્રમમાં પણ આમ આદમી પાર્ટીનું સંપૂર્ણપણે સમર્થન છે, તો હવે આપણે કોઈનાથી ડરવાની જરૂરત નથી. સમગ્ર આમ આદમી પાર્ટીની સાથે સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી દર અઠવાડિયે આપણો રિપોર્ટ લે છે અને તેમણે કહ્યું છે કે “અમારી જરૂરત હોય તો અમે કેવડિયા પણ આવવા માટે તૈયાર છીએ.”
વિશ્વ આદિવાસી દિવસના એક દિવસ પહેલા 8 ઓગસ્ટના રોજ આખા ગુજરાત લેવલનું કાર્યક્રમ કેવડિયામાં રાખીશું, 13 સપ્ટેમ્બરે અધિકાર દિવસના રોજ પણ કેવડિયામાં આપણે મોટો કાર્યક્રમ કરીશું અને આદિવાસીઓની એકતા આખી દુનિયાને બતાવીશું. ત્યારબાદ પણ આપણી સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો 31 ઓક્ટોબરે સરદાર પટેલજીની 150મી જન્મ જયંતીના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થવા નહીં દઈએ. આપણા લોકોની જમીનો છીનવીને હોટલો અને ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે જેના કારણે આજે આપણી માતા બહેન દીકરીઓ રડી રહી છે, માટે હવે અમારે સરકારનો કોઈ વિકાસ જોઈતો નથી. અમારી પાસે પાણી છે, અમારી પાસે તમામ પ્રકારની સંપત્તિ છે, તો અમારે હવે કોઈ કોરિડોરની જરૂરત નથી, જે દિવસે નર્મદાના લોકોને પૂરતા પ્રમાણમાં શિક્ષકો-ડોક્ટરો અને નર્મદાનું પાણી મળશે ત્યારે જ આદિવાસી લોકોનો વિકાસ થશે.
હું ફક્ત એકલો જ ન રહું એટલા માટે હવે તમારે લોકોએ પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ લડવાની છે.ફક્ત ડેડીયાપાડા કે સાગબારાની વાત હું નથી કરતો, હું વાત કરું છું દાહોદ, છોટાઉદેપુર, ગોધરા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ, વડોદરા તમામ જગ્યાની વાત કરું છું.ક્રાંતિની શરૂઆત ડેડીયાપાડાના લોકોએ કરી છે અને આ ક્રાંતિ હવે તમામ આદિવાસી વિસ્તારમાં પહોંચશે. વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં આપણે કોઈને કોઈ લાલચ કે દારૂ પીવડાવ્યા વગર ખૂબ જ મહેનત કરીને મત મેળવ્યા હતા અને આપણે ખૂબ જ સારા પરિણામો મેળવ્યા હતા.હવે આવી જ મહેનત તાલુકાની જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આપણે કરવાની છે અને ત્યાર બાદ તમે જોશો કે 2027ની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી જબરદસ્ત ઇતિહાસ રચશે. 27 આદિવાસી બેઠકોની સાથે સાથે કુલ 44 બેઠકો એવી છે જ્યાં આદિવાસીઓનું ખૂબ જ પ્રભુત્વ છે.જો આદિવાસી સમાજ એક થઈ જશે તો આ વિસ્તાર માંથી ભાજપ સરકારના સુખડા સાફ થઈ જશે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is