– પત્ર લખીને દહેજ જેવા મહત્વના ઔદ્યોગિક મથક ખાતે હોસ્પિટલ બનાવાય તેવી માંગ કરી
ભરૂચ,
ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દહેજ ખાતે ૪૦૦ બેડ ધરાવતી સુવિધાસભર હોસ્પિટલ બનાવાય તેવી રજુઆત કરવામાં આવી હતી. ભરૂચ જીલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશ મોદી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,ભરૂચ જીલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ તેમજ ઉદ્યોગ ભવન ગાંધીનગરને ઉદ્દેશીને લખેલ પત્રમાં જણાવાયું હતું કે ભરૂચ જીલ્લાનું દહેજ મહત્વનું ઔદ્યોગિક મથક છે. દહેજ સ્થિત ઉધોગોમાં ઘણા ઉદ્યોગો કેમિકલ ઉધોગો છે,આવા રસાયણિક પ્રક્રિયા ધરાવતા ઉધોગોમાં મોટાપ્રમાણમાં કામદારો કામ કરે છે.ઔદ્યોગિક કંપનીઓમાં કામ કરતા કામદારોને ઘણીવાર કેમિકલને લઇને આંખોમાં બળતરા જેવી તકલીફો પણ થતી હોય છે,તેથી હોસ્પિટલ માં તેની સુવિધા માટે વિશિષ્ટ વિભાગ ઉપરાંત આઈ.સી.યુ સહિતની અન્ય જરૂરી આરોગ્ય વિષયક સેવાઓ ઉપલબ્ધ બનાવાય તેવી પણ માંગ કરવામાં આવી હતી.પત્રમાં વધુમાં જણાવાયું હતું કે હાલ કામદારો માટે રસાયણિક અસરોથી થતી બળતરા અને ગંભીર ઈજાઓ માટે તાત્કાલિક સારવારની સુવિધા ઉપલબ્ધ નથી,વળી દહેજ ખાતે અધ્યતન સુવિધા ધરાવતી હોસ્પિટલ બનાવાય તો તેનો લાભ આસપાસના ગામોની જનતાને પણ મળી શકે તેમજ આ વિસ્તારની જનતા માટે લાંબા ગાળાની આરોગ્ય વિષયક સેવાઓ માટે હોસ્પિટલ લાભદાયી થઈ શકશે તેમ જણાવી દહેજ ખાતે અધ્યતન હોસ્પિટલ બનાવાય તેવી માંગ કરવામાં આવી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is