– તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનો રોષે ભરાતા આત્મવિલોપનની ચીમકી સાથે સ્થાનિકનો વિરોધ – પોલીસે આત્મ વિલોપન કરતા અટકાવ્યા
ભરૂચ,
છેલ્લા ૧૦ વર્ષથી વાગરાના વેગણી ગામે પાણીની સમસ્યાને લઈને ગ્રામજનો નું ધૈર્ય તૂટી પડતા રાત્રિના સમયે લોકએ તીવ્ર રોષ વ્યક્ત કરવા સાથે સ્થાનિકોએ પોતાના શરીર પર ડીઝલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતાં પોલીસ કાફલો દોડ્યો હતો.
ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના વેગણી ગામે પાણીની યાતનાસભર સમસ્યા છેલ્લા દસ વર્ષથી યથાવત રહી છે.સતત રજૂઆતો છતાં તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામની પીડાનો અંત લાવવાનો પ્રયાસ કરતા દેખાતા નથી.જેના કારણે હવે ગ્રામજનોનું સામાજિક ધૈર્ય તૂટી પડ્યું છે.ગતરોજ રાત્રીના ગામના કેટલાક રહેવાસીઓએ પાણી ન મળતી સ્થિતિ સામે તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો. એટલુંજ નહીં મૂળભૂત સુવિધા ન મળવાથી કંટાળેલા એક સ્થાનિકએ તો આવેશમાં આવી પોતાના શરીર પર ડીઝલ છાંટી આત્મવિલોપન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ દળ દોડી આવ્યું હતું. અને આત્મવિલોપન કરતા વ્યક્તિને રોકી લેવામાં સફળ થયુ હતું.ઘટનાને લઈ ગ્રામજનોમાં ભય અને ઉદ્ઘોષનો માહોલ છવાઈ ગયો હતો.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર અમે અનેકવાર તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય અને ધારાસભ્યને પણ સમસ્યા અંગે રજૂઆત કરી છે. તેમ છતાં પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે હજુ સુધી કોઈ પાયાભૂત નિર્ણય લેવામાં આવ્યો નથી.તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે અસંતોષ છે.હવે ગ્રામજનો દ્વારા ચીમકી અપાઈ છે કે જો તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહિ થાય તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે.
બીજી બાજુ વેંગણી ગામના આ બનાવ બાદ ધારાસભ્ય અરુણસિંહ રણાએ પોતાનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, “હું જાતિવાદમાં માનતો નથી.દહેજ વિસ્તારમાં એક સમય એવો પણ હતો જ્યારે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હતું.મેં મારા કાર્યકાળમાં ટેન્કર વ્યવસ્થા બંધ કરાવી અને સરકારી યોજના અંતર્ગત ગામે ગામ પાઈપલાઈનથી પાણી પહોંચાડવાનું કામ શરૂ કરાવ્યું છે. વધુમાં ઉમેર્યું કે વેગણી ગામના લોકોએ મારી પાસે રજૂઆત કરી હતી અને મેં તેમને યોગ્ય આશ્વાસન આપ્યું હતું.તેમ છતાં જે રીતે પાઈપ લાઈનમાં પંચર કરીને કાયદો હાથમાં લેવામાં આવ્યો તે શરમજનક છે અને કાયદેસર કાર્યવાહીનો વિષય છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is