– હુમલાના સ્થળે કામ કરતા લોકો અને પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે જીલ્લા માંથી હોમગાર્ડસ ટુકડીઓની તૈનાતીની માંગ કરી આપાતકાલીન સેવાઓની સક્રિયતા સુનિશ્ચિત કરાઈ
ભરૂચ,
ભરૂચ જિલ્લામાં ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી એકમમાં સાંજના ૫ વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઈક થતા ભાગદોડ થઈ હતી.આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એન.ટી.પી.સી એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા. સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીની સેવાઓના કર્મચારીઓ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથધરી હતી.અંતે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોકડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.
સરકારના ઓપરેશન શિલ્ડ અન્વયે સિવિલ ડિફેન્સના ભાગરૂપે યોજાયેલી મોકડ્રીલના સીનારીયા મુજબ સાંજે ૫ વાગ્યાના અરસામાં એન.ટી.પી.સી એકમના પર એર સ્ટ્રાઈક થતા એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા.સાયરન વગાડી કર્મચારીઓને સચેત કરવામાં આવ્યા હતા.તાત્કાલિક ધોરણે જિલ્લા કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી. તેમજ હુમલાના સ્થળે કામ કરતા લોકો અને પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે મામલતદારે જીલ્લા માંથી હોમગાર્ડસ ટુકડીઓની તૈનાતીની માંગ કરી હતી.બીજી તરફ એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઈટરને મદદ માટે કોલ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ શક્ય તેટલી ઝડપે એન.ટી.પી.સી અને આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.ત્યાર બાદ ફાયર ફાઈટર પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ત્યાર બાદ બચાવની કામગીરીમાં સામાન્ય ઈજાગ્રસ્તોને નજીકના પ્રાથમિક એન.ટી.પી.સી.માં આવેલા સારવાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ઉપરાંત અન્ય કર્મચારીઓને એન.ટી.પી.સી એડમીન બિલ્ડીંગના ભોંયતળિયે આશ્રયસ્થાનમાં ખસેડવામાં આવ્યા હતા.અંતે આ તમામ ગતિવિધિ મોકડ્રીલનો એક ભાગ હોવાની જાણ થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ મોકડ્રીલ વખતે સિવિલ ડિફેન્સની આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતની મહત્વની ૧૨ સેવાઓ, સી.આઈ.એસ.એફના જવાનો,સિવિલ ડિફેન્સના વોલેન્ટીયર્સ, જી.આર.ડી.ના જવાનો તથા નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી, મામલતદાર,નાયબ પોલીસ અધિક્ષક,જિલ્લા આરોગ્ય અધિકારી તથા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is