– સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના વહીવટી સંકુલના સાતમા માળે ડ્રોન હુમલો થતાં ૭ વ્યક્તિ ઈજાગ્રસ્ત : ૪૦૦ લોકો-કર્મચારીઓને સલામત રીતે બિલ્ડીંગ માંથી બહાર કાઢ્યા
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ પ્રમાણે તા.૩૧મી મે-૨૦૨૫, શનિવારના રોજ સાંજે નર્મદા જિલ્લામાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાઈ હતી. જેમાં સૌપ્રથમ એકતાનગરના વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતાનગરના વહીવટી સંકુલના સાતમા માળે આતંકી ડ્રોન હૂમલો થયો હોવાનો કોલ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રને મળ્યો હતો.
ડ્રોન હૂમલાની જાણ થતાં જ બિલ્ડીંમાં આવેલી ઓફિસના તમામ કર્મીઓને ઈમર્જન્સી સાયરન વગાડી એલર્ટ કરી સલામત રીતે બહાર કાઢી આખું બિલ્ડીંગ ખાલી કરવામાં આવ્યું હતું. દરમિયાન ફાયર ફાયટરો ઘટના સ્થળ પર આવી પહોંચતા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ૭ લોકોને એમ્બ્યુલન દ્વારા ટ્રોમા સેન્ટર અને ત્યારબાદ ગરૂડેશ્વર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, પોલીસ, ડોગસ્ક્વોડ અને સ્વયંસેવકો બચાવ રાહત માટે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સલામતી પોલીસ વિભાગ, એકતાનગર પોલીસ અને સિવિલ ડિફેન્સના સ્વયંસેવકોએ ગણતરીની મીનિટોમાં આવી પહોંચી હવાઈ હુમલામાં ફસાયેલા ૪૦૦ લોકોને બસ મારફતે સલામત સ્થળે ખસેડવાની કામગીરી બખૂબી પાર પાડી હતી.
નાંદોદ પ્રાંત અધિકારી ડો.કિશનદાન ગઢવી, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના અધિક કલેક્ટર સર્વ નારાયણ માધુ અને ગોપાલ બામણીયા, એસઓયુ સલામતી પોલીસ મથકના નાયબ પોલીસ અધિક્ષક રિયાઝ સર્વૈયા સહિતના અધિકારીઓએ સ્થળ પર આવી મોકડ્રીલની સમીક્ષા કરી હતી. બોમ્બ ડિસ્પોઝલ અને ડોગસ્ક્વોડની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી સમગ્ર બિલ્ડીંગમાં તપાસ કરતાં અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુ નહીં મળતાં ઓલ ક્લિઅરનો કોલ આપવામાં આવ્યો હતો.આ મોકડ્રીલ દરમિયાન દરેક સંબંધિત સરકારી વિભાગો, બચાવ અને રાહત કામગીરી કરતી એજન્સીઓએ પોતાની ફરજ સમય મર્યાદામાં બજાવતા મોકડ્રીલ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is