– લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ ગટરના અધુરા કામના કારણે આજુબાજુની માટી ગટર લાઈનમાં પડે છે
– રાણીપુરા રેલ્વે ગરનાળામાં પાણી ભરાવાના કારણે ચોમાસા દરમ્યાન છેલ્લા ૧૦ વર્ષથી સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે
(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા તાલુકા માંથી પસાર થતી અંકલેશ્વરથી રાજપીપળાની બ્રોડગેજ રેલવે લાઈન બન્યા પછી રેલ્વે દ્વારા બનાવવામાં આવેલ ગળનાળા ના કારણે ચોમાસા દરમ્યાન અંકલેશ્વર થી રાજપીપળા સુધીના તમામ અસર કરતા ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે.ઝઘડિયા તાલુકાના રાણીપુરા બસ સ્ટોપ થી રાણીપુરા ગામને જોડતા રોડ પર રેલ્વે વિભાગ દ્વારા ૨૭/એ અને ૨૮ નંબરના ગળનાળા બનાવવામાં આવ્યા છે.છેલ્લા બે વર્ષ દરમિયાન રેલ્વે વિભાગ દ્વારા રાણીપુરા ગામ ખાતે ગળનાળામાં આવતા વરસાદી પાણીના નિકાલ માટે ૩૫ લાખથી વધુ રૂપિયાના ખર્ચે પાકી સિમેન્ટ કોંક્રેટની ઉપરથી બંધ ગટર લાઈન બનાવવાનું કામ શરૂ કર્યું હતું ગોકળગતિએ ચાલતા આ કામ ઇજારાદાર દ્વારા અધૂરૂ મૂકી દેવામાં આવ્યું છે,ગટર લાઈનના છેલ્લા છેડાના ભાગે ઘણા બધા સ્થળે બંધ ગટર લાઈન પર જે સાફ-સફાઈ માટે જગ્યા છોડવામાં આવી છે તેના ઢાંકણ પણ બનાવવામાં આવ્યા નથી અને છેલ્લા છેડાની કેટલાક મીટરની ગટર લાઈન ખુલ્લી છે તેને બંધ કરવામાં આવી નથી, જેના કારણે આજુબાજુની માટી બધી ગટર લાઈનમાં ચોમાસા દરમિયાન ધોવાઈ ને પડતી હોય છે. જેના કારણે પાણી આગળ જતું અટકી શકે છે, જેથી ગરનાળામાં તેનો ભરાવો પણ થઈ શકે છે, ઇજારાદારની બેદરકારી અને જવાબદાર રેલ્વે અધિકારીઓની બિનકારજીના કારણે રેલવે વિભાગ દ્વારા આટલા રૂપિયા ખર્ચ્યા પછી પણ તેની કામગીરી અધુરી છે, જેથી સત્વરે આ કામગીરી પૂર્ણ થાય તેમ સ્થાનિકો ઇચ્છિ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રેલ્વે વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડિયાની વચ્ચે જેટલા પણ અંડર પાસ ગળનાળા બનાવવામાં આવ્યા છે તેની રેગ્યુલર સાફ-સફાઈ થતી નથી જેના કારણે મોટાપાયે ગટરમાં કાદવ કિચડનો ભરાવો રહે છે તથા એ ગળનાળાના વિભાગનો આરસીસી રોડ પણ સતત પાણી ભરાઈ રહેવાના કારણે ખૂબ જ ખરાબ હાલતમાં આવી ગયા છે,તેમ છતાં રેલ્વે વિભાગ દ્વારા અંકલેશ્વરથી રાજપીપળા જે રીતે પેસેન્જર ટ્રેન બંધ કરવામાં આવી તેવી રીતે તેઓએ પોતાની આંખો પણ અંકલેશ્વરથી રાજપીપળા વચ્ચેની કામગીરી માટે બંધ કરી લીધી છે તે સ્પષ્ટપણે માની શકાય છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is