– બસ સ્ટેન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય તેમજ તેનો સ્લેપ ક્ષતિગ્રસ્ત હોય તેને ઉતારી નવું સ્ટેન્ડ બનાવવાની માંગ
– પાંચ સાત વર્ષ પહેલા બસ સ્ટેન્ડ નવું બનાવવા માટે ગ્રાન્ટ મંજુર થઈ હતી પરંતુ નેતાઓ અને ગ્રામ પંચાયતની ઈચ્છા શક્તિ ના અભાવે નવુ બસ સ્ટેન્ડ બની શક્યું નહીં
(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા નગર તાલુકા મથક હોવા પછી પણ જે પ્રમાણે તાલુકા મથક અને જીઆઇડીસી હોવાના કારણે જે ગામનો વિકાસ થવો જોઈએ તે વિકાસ છેલ્લા ચાર પાંચ દાયકા દરમિયાન થયો નથી,તાલુકા મથક હોવા પછી પણ ગામના તેમજ બહારથી તાલુકા મથકે આવતા લોકો માટે તેમની પ્રાથમિક જરૂરિયાતો પણ કહેવાતા ઝઘડિયાના નેતાઓ તથા અધિકારીઓની ઈચ્છાશક્તિના અભાવે ઊભી કરી શક્યા નથી.ઝઘડિયામાં વર્ષો પછી કોઈ ગામમાં આવ્યું હોય તો તેને ગામમાં ઉડીને આંખે વળગે એવો કોઈ વિકાસ દેખાઈ નહીં તેવી પરિસ્થિતિ ગામની વિકાસના બાબતમાં છે, ઝઘડિયા ગામમાં પ્રવેશતા જ ગામના નાક સમાન એક જર્જરીત બસ સ્ટેન્ડ છે.જેનું બાંધકામ આશરે ૨૦ વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું! આ બસ સ્ટેન્ડની હાલત એટલી દયનીય છે કે વાહનોની રાહ જોઈને ઉભા રહેલા મુસાફરો પણ ભય અનુભવે છે, બસ સ્ટેન્ડનો સ્લેબ અત્યંત ક્ષતિગ્રસ્ત છે અને તેના સ્લેપના પોપડા પણ ખરી રહ્યા છે.મુખ્ય રોડથી આશરે એક ફૂટ જેટલું બસ સ્ટેન્ડ નીચું છે.જેના કારણે ચોમાસામાં બસ સ્ટેન્ડમાં જ મોટાપાયે પાણીનો ભરાવો રહે છે અને અન્ય દિવસોમાં ગંદકી રહેતી હોય મુસાફરોને પણ તેમાં બેસીને વાહનોની રાહ જોવાનું અનુકૂળ આવતું નથી,બસ સ્ટેન્ડની આજુબાજુમાં તથા બસ સ્ટેન્ડની ઉપર એટલી હદે ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા છે કે તેને સાફ-સફાઈ કરવામાં પણ કોઈને રસ નથી.આજથી પાંચ સાત વર્ષ અગાઉ આ જર્જરીત બસ સ્ટેન્ડની જગ્યાએ નવું બનાવવા માટે આશરે સાત લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી પરંતુ નેતાઓની અને અધિકારીઓની ઈચ્છાશક્તિના અભાવે આ ગ્રાન્ટ વગર વપરાય પરત જતી રહી હતી, ઝઘડિયા ગામની જનતાને તેમની પ્રાથમિક જરૂરિયાતો આપવામાં ઉણા ઉતરેલા નેતાઓ તથા અધિકારીઓ સત્વરે ઝઘડિયા ગામમાં પ્રાથમિક જરૂરિયાત એવા બસ સ્ટેન્ડ પાણીની પરબ વિગેરે સેવાઓ ઊભી કરે તે ઈચ્છનીય છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is