– રાજ્યમાં હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત ૨૦૭ જળાશયોમાં ૪૪ ટકાથી વધુ જળ સંગ્રહ
– ગત વર્ષે આ સમયે રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૪૦.૮૧ ટકા જળ સંગ્રહ હતો
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ચાલુ વર્ષે આગામી દિવસોમાં ચોમાસાનું ગુજરાતમાં આગમન થવા જઈ રહ્યું છે.ત્યારે ગત વર્ષે સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૪૪.૧૮ ટકા જળ સંગ્રહ છે.ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના ૫૩.૦૪ ટકા પાણી ઉપલબ્ધ છે.જેમાંથી આગામી સમયમાં નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવશે. ગત વર્ષે આ સમયે એટલે કે તા.૧૦ જૂન-૨૦૨૪ની સ્થિતિએ રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૪૦.૮૧ ટકા જળ સંગ્રહ હતો.વધુમાં મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં સૌથી વધુ ૪૪.૦૮ ટકા જળ સંગ્રહ, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૪૩.૨૫ ટકા જળ સંગ્રહ,ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૯.૩૮ ટકા,સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૨૮.૧૦ ટકા અને કચ્છના ૨૦ જળાશયોમાં ૨૭.૫૭ ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા તેમજ રાજ્ય મંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં સરકારે સુજલામ સુફલામ્ જળ સંચય અભિયાન, નલ સે જલ અભિયાન જેવા જળ સંચયના અનેક અભિયાનો શરૂ કર્યા હોવાથી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા ‘કેચ ધ રેઈન’ના આહૃવાનને સાકાર કરવા ગુજરાતમાં ‘કેચ ધ રેઈન- સુજલામ સુફલામ જળ અભિયાન ૨.૦ નો મહેસાણાના દવાડાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.આ સિવાય સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ધોળીધજા તેમજ મોરબીના મચ્છુ-૩ જળાશયમાં હાલ ૯૧ ટકાથી વધુ પાણી ઉપલબ્ધ છે.જ્યારે કચ્છના કાલાઘોઘા જળાશયમાં ૮૨ ટકાથી વધુ, રાજકોટના ભાદર-૨માં ૭૭ ટકાથી વધુ છોટા ઉદેપુરના સુખી જળાશયમાં ૭૪ ટકાથી વધુ તેમજ રાજકોટના આજી-૨માં ૭૩ ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.જ્યારે રાજ્યના ૦૬ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા, ૨૦ જળાશયો ૫૦ થી ૭૦ ટકા તેમજ ૭૧ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયેલા છે.જેના પરિણામે ઉનાળા દરમિયાન પણ રાજ્યમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નાગરીકોની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં પાણી પુરૂ પાડવામાં આવ્યું છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is