best news portal development company in india

PM મોદીની બેઠક બાદ સરકારનો પીડિતોના પરિજનો અંગે મોટો નિર્ણય

SHARE:

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી.

અમદાવાદ પ્લેન ક્રેશ: યાત્રીઓના સ્વજનો માટે રહેવા-વાહનવ્યવહારની સુવિધા, હેલ્પલાઇન નંબર જાહેર

Ahmedabad Plane Crash LIVE: PM મોદીની બેઠક બાદ સરકારનો પીડિતોના પરિજનો અંગે મોટો નિર્ણય 2 - image

વિજય રૂપાણીના પત્ની અંજલિબેન ગાંધીનગર પહોંચ્યા, પીએમ મોદી સાથે કરી હતી મુલાકાત 

DNA મેચ કરવામાં ત્રણ દિવસનો સમય લાગી શકે: સિવિલ તંત્ર

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તંત્રએ જણાવ્યું કે, વિમાન દુર્ઘટનાના જે પ્રવાસી/હતભાગીઓના મૃતદેહો અહીં છે, તેમના DNA મેચ થયા બાદ સગાઓને સોંપવામાં આવશે. હાલ DNA લેવાની પ્રક્રિયા શરૂ છે. સેમ્પલ લીધા બાદ મેચિંગ લેબ માટે મોકલવામાં આવશે. જોકે, ઘટનાની ગંભીરતા અને મૃતદેહોની સ્થિતિ જોતા સમગ્ર DNA મેચિંગ પ્રક્રિયામાં ઓછામાં ઓછા 3 દિવસથી વધુનો સમય લાગી શકે છે.  મૃતકોના સ્વજનો આ અંગેની વધુ માહિતી કંટ્રોલ રૂમના ફોન નંબર પરથી મેળવવા માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. મૃતકોના પરિવારજનો 6357373831 અને 6357373841 પર કોલ કરીને માહિતી મેળવી શકે છે.

પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ 

અમદાવાદમાં પ્લેન ક્રેશ સાઈટની મુલાકાત લીધી બાદ વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું કે દુર્ઘટનાથી બધાને આઘાત લાગ્યો અને આટલા લોકોને ગુમાવ્યાં બાદ હું આ ઘટનાને શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. તમામ શોકગ્રસ્ત પરિવારો સાથે મારી સંવેદના.

વડાપ્રધાન મોદીએ યોજી સમીક્ષા બેઠક 

વડાપ્રધાન મોદીએ આ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી બાદ સિવિલમાં પીડિતોના પરિજનો અને ઈજાગ્રસ્તોને મુલાકાત કરીને સાંત્વના આપી હતી. તેના બાદ તેમણે ગુજસેલમાં મુખ્યમંત્રી સહિત ગુજરાત સરકારના મોટા અધિકારીઓ સાથે આ દુર્ઘટના અંગે વિગતો મેળવી હતી.

DNA ટેસ્ટમાં મૃતકોની ઓળખ, ત્રણ વિદ્યાર્થીઓના મૃતદેહ પરિવારને સોંપાયા

અમદાવાદમાં સર્જાયેલી પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને સિવિલ હૉસ્પિટલ લાવવામાં આવ્યા હતા. અહીં કસોટી ભવનમાં તમામ મૃતદેહો સાથે DNA ટેસ્ટની કામગીરી શરુ કરાઈ છે. આખી રાત દરમિયાન ચાલેલી આ કામગીરીમાં ધીમે-ધીમે મૃતકોની ઓળખ મુજબ, મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. આ મૃતદેહોમાં બી. જે. મેડિકલ કૉલેજના ત્રણ વિદ્યાર્થીઓની ઓળખ થઈ છે અને તેમના મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓમાંથી બે ભાવનગરના અને એક ગ્વાલિયરનો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે.

વડાપ્રધાન મોદી વિજય રૂપાણીના પત્નીને મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી સાથે મુલાકાત કરી તેમને સાંત્વના આપી છે. આ દરમિયાન તેમની સાથે હર્ષ સંઘવી, સી. આર. પાટીલ અને રામમોહન નાયડુ પણ હાજર હતા.

પ્લેન ક્રેશમાં બચી ગયેલા એક માત્ર મુસાફરને મળ્યાં પીએમ મોદી

પીએમ મોદી ઘટનાસ્થળે પહોંચ્યા, મૃતદેહો પરિજનોને સોંપવાનું શરુ  

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો પરિજનોને સોંપવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પછી તેઓ સિવિલ હૉસ્પિટલમાં દુર્ઘટના પીડિતોના પરિવારજનોને મળ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવી પહોંચ્યા 

અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવી પહોંચ્યા છે. તેઓ દુર્ઘટનાસ્થળની મુલાકાત લઈ શકે છે. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર છે. આ સાથે પીએમ મોદી સિવિલ હૉસ્પિટલમાં પીડિતોને પણ મળી શકે છે.

વિજય રૂપાણીનો પરિવાર અમદાવાદ આવી પહોંચ્યો 

 

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતાં સમગ્ર દેશના લોકો ગમગીન છે. ત્યારે તેમના પત્ની અંજલી રુપાણી પણ લંડનથી અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેઓ અમદાવાદ ઍરપોર્ટથી સીધા ગાંધીનગરમાં આવેલા તેમના નિવાસસ્થાને રવાના થયા હતા.

બીજે મેડિકલમાં ભણતાં 4 વિદ્યાર્થીએ ગુમાવ્યા જીવ, હજુ બે ગુમ  

 

માહિતી અનુસાર બીજે મેડિકલ કૉલેજમાં મેડિકલનો અભ્યાસ કરતાં ચાર ભાવિ ડૉક્ટર રાકેશ દિયોરા, આર્યન રાજપૂત, માનવ ભાદુ અને જયપ્રકાશ ચૌધરીએ પણ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે. આ લોકો વિમાનમાં સવાર નહોતા પરંતુ જે ઇમારતમાં વિમાન તૂટી પડ્યું તે હોસ્ટેલમાં જ રહેતા હતા. જોકે માહિતી અનુસાર ભાવેશ સેહતા તથા આશિષ મીણા નામના બે મેડિકલ સ્ટુડન્ટની હજુ કોઈ ભાળ મળી નથી.

265 લોકોના મોત થયાની માહિતી 

આ વિમાન સિવિલ હૉસ્પિટલના પરિસરમાં આવેલ સિવિલ હૉસ્પિટલમાં જ બી જે મેડિકલ કૉલેજની હોસ્ટેલની ઇમારતમાં તૂટી પડ્યું હતું. જેના બાદ પ્રચંડ વિસ્ફોટ થતાં વિમાનમાં સવાર તમામ 242 લોકો અને હોસ્ટેલ તથા કેન્ટીન તથા આજુબાજુના વિસ્તારમાં હાજર લોકો તેની લપેટમાં આવતાં લગભગ 265 લોકોના મૃત્યુ થયા છે. આ તમામ લોકોના મૃતદેહ સિવિલ હૉસ્પિટલમાં લાવી દેવાયાની જાણકારી અમદાવાદ પોલીસના ડેપ્યુટી કમિશ્નર દેસાઈએ આપી હતી.

PM મોદી આજે અમદાવાદ પહોંચે તેવી શક્યતા

ગઈકાલે દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતનાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ અમદાવાદમાં ઘટનાસ્થળ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જે બાદ હવે આજે શુક્રવારે (13 જૂન) વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવે તેવી શક્યતા છે. સૂત્રો અનુસાર તેઓ સવારે 8 વાગ્યા બાદ અમદાવાદ પહોંચશે.

ટેક્નિકલ ખામીને કારણે વિમાન તૂટી પડ્યું 

મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!