અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો. ટ્રાફિકને કારણે તેઓ એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ 10 મિનિટ માટે ચૂકી ગયા અને જેમાં તેમનો બચાવ થયો હતો. ભૂમિ ચૌહાણ ભારતમાં વેકેશન મનાવ્યા બાદ એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ-171માં લંડન પરત ફરવાનાં હતાં. પરંતુ અંકલેશ્વરથી પરત ફરતી વખતે અમદાવાદમાં ભારે ટ્રાફિકના કારણે તેઓ માત્ર 10 મિનિટ માટે ફ્લાઇટ ચૂકી ગયા અને તેમનો પ્લેન ક્રેશમાં આબાદ બચાવ થયો હતો.
ગુજરાતના ભરૂચના રહેવાસી ભૂમિ ચૌહાણ લંડનમાં રહેતા પોતાના પતિ પાસે જઇ રહી હતી. ભૂમિએ જણાવ્યું હતું કે ગુરૂવારે સવારે તે અમદાવાદ એરપોર્ટ જવા નીકળી હતી. ત્યારે અમદાવાદ શહેરમાં ભારે ટ્રાફિકના કારણે અટવાઇ જતાં અમે ચેક-ઇન ગેટ પર 10 મિનિટ મોડા પહોંચ્યા હતા જેથી મને અંદર જવા ન દીધી, અને હું નિરાશા સાથે પાછી ફરી.
ભૂમિ ચૌહાણે આપવિતિ વર્ણવતાં કહ્યું કે જ્યારે મને ખબર પડી કે ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ છે, ત્યારે હું સંપૂર્ણપણે સુન્ન થઈ ગઈ હતી. ‘મારું શરીર ધ્રુજી રહ્યું હતું… ત્યારે મને કોઇ શબ્દો મળી રહ્યા ન હતા. હું મારી મા દુર્ગાનો આભાર માનું છું કે હું સુરક્ષિત છું, પણ આ ઘટના ખરેખર ભયાવહ છે. પોતાનો જીવ બચવાથી રાહત અનુભવી હતી.
માતાજીના આશીર્વાદથી મારી દીકરી બચી: ભૂમિ ચૌહાણની માતા
ભૂમિ ચૌહાણના માતાએ જણાવ્યું હતું કે અમે માતાજીનો આભાર માનીએ છીએ કે તેમણે મારી દીકરીનું રક્ષણ કર્યું. તે પોતાનું બાળક મારી પાસે મૂકીને ગઈ હતી, અને આ બધું માતાજીના આશીર્વાદને કારણે જ છે. એ બાળકના કારણે જ તે આજે મારી સાથે છે.
એરપોર્ટ બહાર નીકળતા જ દુર્ઘટનાના સમાચાર મળ્યા: ભૂમિ ચૌહાણના પિતા
ભૂમિ ચૌહાણના પિતાએ જણાવ્યું હતું કે અમે ટ્રાફિકને કારણે એરપોર્ટ પર મોડા પહોંચ્યા. અમે વિનંતી કરી, પણ તેમણે અમને અંદર જવા ન દીધા. જ્યારે અમે એરપોર્ટની બહાર નીકળ્યા, ત્યારે જ અમને પ્લેન ક્રેશ થયાના સમાચાર મળ્યા.
ટેક્નિકલ ખામીને કારણે વિમાન તૂટી પડ્યું
મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is