– બે લોકોના મૃતદેહ રાત્રે અને એકનો આજે સવારે મૃતદેહ આવતા દફનવિધિ કરાઈ
ભરૂચ,
અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભરૂચ જિલ્લાના ત્રણ લોકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ દર્ઘટનામાં ભરૂચ શહેરના અલમીના પાર્કના સાજેદાબેન સલીમભાઈ મિસ્ટર, મુમતાઝ પાર્કના અલ્તાફ હુસેન ઈસ્માઈલ પટેલ અને જંબુસરના સારોદ ગામના સાહિલ સલીમભાઈ પટેલનું મોત નિપજ્યું હતું.જેઓના મૃતદેહ માદરે વતન આવતા દફનવિધિ હાથ ધરાઈ હતી.
પરિવારજનોના DNA ટેસ્ટ બાદ ૭૨ કલાકની પ્રક્રિયા પૂર્ણ થતાં રવિવારે મોડી રાત્રે મૃતદેહ ભરૂચ લાવવામાં આવ્યા હતા.સાહિલ પટેલના મૃતદેહને જંબુસર તાલુકાના સારોદ ગામમાં લાવતાં તેમની માતા અને બહેનના રુદનથી ગ્રામજનો વ્યથિત થયા હતા.ત્યાર બાદ ગામના સરવરે સુલતાન કબ્રસ્તાનમાં તેની દફન વિધિ કરવામાં આવતા મોટી સંખ્યામાં પરિવારજનો સહિત આસપાસના લોકો જોડાયા હતા.જ્યારે ભરૂચના બાયપાસ નજીક આવેલ અલમીના પાર્કમાં રહેતા સાજેદા સલીમભાઈ મિસ્ટરનો મૃતદેહ પણ મોડી રાત્રિના વહીવટી તંત્રની મદદથી તેમના નિવાસ સ્થાને લાવ્યા બાદ રાત્રિના જ તેમની દફન વિધિ કરવામાં આવી હતી. તે સમયે સોસાયટી અને પરિવારજનો સહિત મુસ્લિમ અગ્રણી અબ્દુલ કામઠી,પાલિકા વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ,સલીમ અમદાવાદી,કોંગી આગેવાન ઝુબેર પટેલ,ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને લક્ષ્મીનગર માં આવેલ કબ્રસ્તાનમાં તેઓની દફનવિધિ કરવામાં આવતા દુઆ પઢવામાં આવી હતી.જ્યારે ભરૂચના મુમતાઝ પાર્કમાં રહેતા અલ્તાફ હુશેન ઈસ્માઈલ પટેલના મૃતદેહ તેમના વતન કોલાવણા ગામમાં લઈ જઈને આજે સવારે ગામનાં કબ્રસ્તાનમાં તેમની દફન વિધિ કરવામાં આવી હતી.વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ ઓળખ માટે સરકાર દ્વારા DNA ટેસ્ટની પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે.આ ત્રણેય પરિવારોના DNA ટેસ્ટ મેચ થતાં તેમને મૃતદેહ સોંપવામાં આવ્યા બાદ તેઓની દફનવિધિ હાથ ધરાઈ હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is