ગુજરાત સરકાર દ્વારા અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે રાહત-બચાવની કામગીરી કરાઈ રહી છે. 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ ક્રેશ થઈ હતી, જેમાં 279 લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટના પછી ડીએનએ સેમ્પલ લઈને મૃતદેહોની ઓળખની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપતાં કહ્યું હતું કે આજે બપોરે 2 વાગ્યા સુધીમાં 162 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. જ્યારે 101 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું હતું.
ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે ‘10.45 વાગ્યા સુધીમાં 135 DNA મેચ થયા છે. 101 મૃતદેહ સોંપાયા છે, જેમાં 5 વ્યક્તિઓ સ્થાનિક છે અને બાકીના પ્લેનના મુસાફરો છે. 12 પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, 5 પરિવારો સાથે હોસ્પિટલ તંત્ર સંપર્કમાં છે, જ્યારે 17 પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં છે. આ ઉપરાંત જિલ્લા દીઠ સોંપવામાં આવેલા પાર્થિવ દેહોની વિગતો પૂરી પાડી હતી. જેમાં વડોદરાના 13, અમદાવાદના 30, આણંદના 9, ભરૂચના 4, ગાંધીનગરના 5, મહેસાણાના 5, ખેડાના 10, સુરતના 3, અરવલ્લીના 2, દીવના 4 તથા બોટાદ, જૂનાગઢ, અમરેલી, મહીસાગર, ભાવનગર, ગીર સોમનાથ, નડિયાદ અને રાજકોટના 1 તેમજ અન્ય રાજ્યોમાં ઉદેપુરના 2, જોધપુરના 1, પટનાના 1 અને મહારાષ્ટ્રના 4 મૃતકોના પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.’
ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે ‘ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડેપગે કામગીરી કરી રહી છે.’
જેમ જેમ પરિણામો આવતા જશે એમ એમ મેચિંગનો દર વધશે અને પ્રક્રિયા ઝડપી બનશે તથા ઓછો સમય લેશે. સાથે જ, તેમણે પરિવારજનો પાર્થિવ દેહ સ્વીકારવા આવે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતી કામગીરી અને કરવામાં આવેલી વ્યવસ્થા વિશે પણ માહિતી પૂરી પાડી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is