– ઐતિહાસિક રતન તળાવમાં અવારનવાર કાચબા અને માછલીઓના મોત નીપજતા દુર્ગંધ મારતા સ્થાનિકોની રજુઆત
– તળાવના બ્યુટીફિકેશન માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર છતાં કોઈ કામગીરી નહીં હાથ ધરાતા સ્થાનિકોમાં રોષ
ભરૂચ,
ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં કાચબા અને માછલીઓ મૃત થયા બાદ તેની સફાઈ નહીં થતા દુર્ગંધ મારતા સ્થાનિકોની પાલિકામાં વારંવાર રજૂઆતના પગલે પાલિકા તંત્ર દ્વારા સફાઈ હાથ ધરવામાં આવી હતી.તો બીજી તરફ રતન તળાવની જીલ્લા પ્રમુખ અને સ્થાનિકોએ મુલાકાત લઈ તેનું નવીનીકરણ ની પ્રક્રિયા ઝડપી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
ભરૂચ શહેરના હ્રદયસ્થળે આવેલા ઐતિહાસિક રતન તળાવની દયનીય હાલત અને તેમાં મૃત થતા કાચબા અને માછલીઓના કારણે દુર્ગંધ મારતા આ અંગે સ્થાનિકોએ વારંવાર રજુઆતનો કરવા છતાં તળાવમાં મોતને ભેટેલા કાચબા અને માછલીઓન નિકાલ મામલે લોકોમાં અસંતોષ વ્યાપ્યો હતો.આ બાબતની રજૂઆત ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સુધી પહોંચતાં તેઓએ તાત્કાલિક સ્થાનિક આગેવાનો સાથે સ્થળ મુલાકાત લીધી હતી.આ દરમ્યાન ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ પણ હાજર રહ્યા હતા.આ દરમ્યાન સ્થાનિકોની રજૂઆત સાંભળી તળાવની સાફ સફાઈ કરવા સાથે તળાવની સંપૂર્ણ સ્વચ્છતા અંગે તાકીદે પગલા ભરવા સૂચના આપવા સાથે તળાવનું વહેલી તકે બ્યુટીફિકેશન હાથ ધરવામાં આવે જેથી લોકોને તેની લાભ મળી શકે.
પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે સ્પષ્ટતા કરી હતી કે તળાવમાં મોતને ભેટેલ માછલીઓ સહિત કચરો દૂર કરવાની કામગીરી પાલિકાની ફાયરની ટીમ અને સેનેટરી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.વિશેષ રૂપે જણાવાયું હતું કે તળાવ માટે અમૃત ૨.૦ યોજના હેઠળ ૯ કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેથી આગામી દિવસોમાં તળાવનું બ્યુટીફિકેશન હાથ ધરાશે.
સ્થાનિકોનો તર્ક છે કે દર વર્ષે રતન તળાવ માટે સરકારી ગ્રાન્ટો ફળવાતી હોય છે છતાં તળાવની દયનિય હાલત યથાવત રહેતી હોય છે.ત્યારે ફરીથી કરોડોની ગ્રાન્ટ મંજૂર થઈ છે ત્યારે પ્રશ્ન એ ઊઠી રહ્યો છે કે શું આ વખતે તળાવનું સ્વરૂપ ખરેખર બદલાશે કે ફરી એકવાર વાયદાઓનું પાટીયું જ લખાશે? અને ગ્રાન્ટ સરકારમાં પછી જશે?

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is