– વૃદ્ધ અને અશક્ત મતદારોએ પણ બતાવ્યો ઉત્સાહ : ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા બાદ ૨૫ જૂને યોજાશે મતગણતરી
ભરૂચ,
ભરૂચ જિલ્લાની પંચાયતીરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.સવારના ૭ વાગ્યાથી શરૂ થયેલા મતદાન પ્રક્રિયામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.ભરૂચ જિલ્લાની કુલ ૮૫ ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઈ હતી.જેમાંથી ૧૮ પંચાયતો સમરસ જાહેર થઈ હતી.તેથી ૬૭ ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી અને સવારથી જ મતદારોમાં મતદાન માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.તો બીજી તરફ વિવિધ સ્થળોએ વરસતા વરસાદમાં પણ મતદારોએ પોતાની ફરજ બજાવી મતદાન કર્યું હતું.ભરૂચ જિલ્લાના ૯ તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થતા મતદાન પેટીઓ સીલ કરી મતદાન મથકોએથી રીસીવિંગ સેન્ટર ખાતે સ્ટ્રોંગ રૂમમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મૂકવામાં આવી હતી.ભરૂચ જીલ્લામાં સવારે ૭ થી ૫ સુધીમાં સામાન્ય ચૂંટણીઓમાં ૫૮.૨૩ અને પેટા ચૂંટણીઓમાં ૬૭.૨૮ ટકા મતદાન નોંધાયું હતું.
ભરૂચના તવરા,ઝાડેશ્વર, બંબુસર સહિતની ગ્રામ પંચાયતો માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી.બંબૂસર ગામે સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.બંબુસર ગામે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થતું આવ્યું હતું અને ૨૦૨૧ માં ચૂંટણી યોજાઈ હતી.જેમાં મતદાનના બે દિવસ પહેલા સરપંચ પદના ઉમેદવારનું નિધન થતા ચૂંટણી ઠેલાઈ હતી.સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબૂસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ છે.જેમાં ૩ ઉમેદવારોએ ઉમેદવારી કરતા આજરોજ મતદાન યોજાયું હતું અને મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.આ ઉપરાંત તવરા ગ્રામ પંચાયતની બેઠક પર મતદાન બુથ પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી અને વરસતા વરસાદમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ દ્વારા અશક્ત મતદારો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી,અને લોકશાહીના પર્વમાં વૃદ્ધ અને અશક્ત મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.
અંકલેશ્વર તાલુકામાં ૨૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.તાલુકાની કુલ ૨૭ ગ્રામ પંચાયત માંથી ૪ પંચાયતો સમરસ જાહેર થઈ હતી.૨૩ ગ્રામ પંચાયતો માંથી ૧૨ ગ્રામ પંચાયતોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી.ચૂંટણીની કામગીરીમાં ૨૫૦ કર્મચારીઓ જોડાયા હતા.મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
અંકલેશ્વરના માંડવા,કોસમડી,સજોદ સહિત ૨૩ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.અને ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા.
લોકશાહીને સશકત કરવામાં ચૂંટણી પ્રક્રિયા મહત્વનું યોગદાન આપે છે.ભરૂચ જિલ્લામાં મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે પણ લોકો મતદાન કરવા આગળ આવ્યા હતા.મતદાનની પ્રક્રિયામાં સહભાગી થવા માટે યુવાનો, વયોવૃદ્ધ, દિવ્યંગોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્યારે ભરૂચના ઝાડેશ્વર ગામના યુવકને અકસ્માત થતા પગમાં ફેક્ચર થયું હતું. ડોકટર દ્વારા આરામ કરવાની સલાહ છતાં લોકશાહીના અવસરમાં ભાગીદાર થવા મતદાન કર્યું હતું. અને અન્ય નાગરિકોને અચૂક મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આગામી તારીખ ૨૫ મી જૂનના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજવામાં આવશે અને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is