આમોદ,
આમોદ પાસેથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ અત્યંત બિસ્માર બનતાં વાહનચાલકો પરેશાન બન્યાં હતાં.ઉબડખાબડ અને કાદવ કીચડ વાળા રોડને કારણે વાહનચાલકોમાં હાઈવે ઓથોરિટી સામે રોષ જોવા મળ્યો હતો.ભરૂચ-જંબુસરને જોડતો હાઈવે નંબર ૬૪ અત્યંત ખખડધજ બનતા તાજેતરમાં જ આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું.જોકે તે બાદ પણ સમસ્યા ઠેરની ઠેર જોવા મળી હતી.આમોદ ચોકડીથી લઈ સમા ચોકડી સુધીનો માર્ગ એટલી હદે બિસ્માર બન્યો છે કે અહીંયાથી પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યું છે. થોડા સમય પહેલા જ કોંગ્રેસે ખાડામાં બેસીને ઉગ્ર પ્રદર્શન કરી ચક્કાજામ કર્યો હતો.જેથી તંત્ર હરકતમાં આવ્યું હતું.પરંતુ માત્ર દેખાવ પૂરતી જ કામગીરી કરી હોય તેમ ફરી આ માર્ગ ભયજનક બન્યો છે.ચોમાસા પહેલા આ માર્ગ ધૂળની ડમરીથી ઘેરાયેલો હતો.જે હવે કાદવ-કીચડમાં ફેરવાયો છે.અહીંયાથી પસાર થતા વાહન ચાલકો હાઈવે ઓથોરિટી સામે ફિટકાર વરસાવી રહ્યા છે.મીડિયા સાથેની વાતચીતમાં કેટલાક વાહન ચાલકો તેમજ રાહદારીઓ રોષ ઠાલવ્યો હતો.નેશનલ હાઈવે નંબર ૬૪ ઉપર અવાર-નવાર વાહનો ફસાવવાની પણ ઘટના બનતી રહે છે.જેને કાઢવામાં વાહન માલિકોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.આ ઉપરાંત જીલ્લાના મુખ્ય મથકને જોડતો આ મુખ્ય માર્ગ હોય,વધુમાં સૌરાષ્ટ્રથી ભરૂચ જીલ્લાની વિવિધ ઔદ્યોગિક એકમોમાં આવવા જવા માટે ટ્રાન્સપોર્ટના વાહનો પણ આજ માર્ગનો ઉપયોગ કરતા હોય છે.તે તમામ વાહન ચાલકો તંત્રના પાપે હાલાકી ભોગવી રહ્યા છે.
વિકાસના નામે ચાલતી સરકાર લોક સુખાકારીની કામગીરી પર પાણીનું નામ ભુ સાબીત કરતી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે.ત્યારે હાલ તો તંત્ર દ્વારા બિસ્માર માર્ગનું વહેલી તકે સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is