(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકામાં અવારનવાર દિપડાઓ ખોરાકની શોધમાં માનવ વસાહતો નજીક ધસી આવતા હોવાની વાતો જગ જાહેર છે અને દિપડાઓ ખોરાકની શોધમાં રાત્રી દરમિયાન ધોરીમાર્ગ પર પણ આવી ચઢતા વાહનોની અડફેટમાં આવી જતા હોવાના બનાવો પણ ભુતકાળમાં બન્યા છે.આવાજ એક બનાવ મુજબ શુક્રવારની રાત્રી દરમ્યાન ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ નજીક સરદાર પ્રતિમા ધોરીમાર્ગ ને જોડતા માર્ગ પર દિપડાનુ બચ્ચું કોઈ અજાણ્યા વાહનની અડફેટમાં આવી જતા માત્ર ૩ માસના બાળ દિપડાનુ મોત નિપજ્યુ હતુ.ઘટના અંગે ઝઘડિયા વનવિભાગને માહિતી મળતા વનવિભાગના કર્મીઓ વહેલી સવારે અકસ્માત વાળા સ્થળે પહોંચી બાળ દિપડાના મૃતદેહનો કબ્જો મેળવી નિયમો અનુસાર અંતિમ સંસ્કાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે દિપડાઓ વધારે પ્રમાણમાં શેરડીના ખેતરોમાં વસવાટ કરતા હોઈ છે હાલ શેરડી કટીંગની સીઝન ચાલતી હોઈ દિપડાઓ સહ પરિવાર પોતાના નવા આશ્રય સ્થાનોની શોધમાં બહાર દેખાવા લાગ્યા છે.હાલ વનવિભાગની ટીમો દ્વારા દિપડાની હાજરી વાળા સ્થળોએ પાંજરાઓ ગોઠવી દિપડાઓને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.