ભરૂચ,
ભરૂચમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ફ્યુચર કેમ ગુજરાત થીમ પર પ્રિ-વાઈબ્રન્ટ મીટ મળી હતી જેમાં ૭ કંપનીઓ દ્વારા રૂપિયા ૩૪,૭૭૩ કરોડના MOU કરવામાં આવ્યા હતા.
જાન્યુઆરીમાં યોજવા જઈ રહેલી વાઈબ્રન્ટ સમિટના ભાગરૂપે કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ હબ એવા ભરૂચમાં શનિવારે પ્રિ-વાઈબ્રન્ટ સમીટનું આયોજન કરાયું હતું.જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી સમીટમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા,રાજયમંત્રી કનુ દેસાઈ, બળવંતસિંહ રાજપૂત સહિત સ્થાનિક આગેવાનો તેમજ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહાનુભવો,ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભરૂચમાં એક ખાનગી હોટલમાં મીટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.જેમાં ભવિષ્યનું કેમિકલ ગુજરાત અને તેને આકાર આપવામાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગોનું યોગદાન વિષય ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાત ભારતનું કેમિકલ્સ કેપીટલ છે.દેશની કુલ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સની ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન ૩૫ ટકા છે.વિતેલા ૩ વર્ષમાં ગુજરાતમાંથી ૧૬૮ દેશોમાં ૪૭ ટકા નિકાસ કરવામાં આવી છે.ભરૂચ પ્રિ-વાઈબ્રન્ટ સમીટ ૩ ટેક્નિકલ સેશનમાં યોજાઈ હતી.જેમાં ગુજરાતના કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઉત્પાદન તેમજ નિકાસમાં ભરૂચ કેન્દ્ર સ્થાને રહ્યું હોય આ સેકટરમાં મુખ્યમંત્રીની હાજરીમાં પેટ્રોનેટ LNG દ્વારા રૂપિયા ૨૧,૩૫૮ કરોડ, GNFC દ્વારા રૂપિયા ૫૬૯૪ કરોડ, GSFC દ્વારા રૂપિયા ૫૦૦૦ કરોડ, દિપક ફર્ટિલાઈઝર દ્વારા રૂપિયા ૧૯૫૬ કરોડ સહિતની ૭ કંપનીઓ દ્વારા રૂપિયા ૩૪,૭૩૩ કરોડના રોકાણો અંગેના સંમતી કરાર કર્યા હતા.