ભરૂચ,
આગામી તા. ૩૧ માર્ચ, ૨૦૨૪ ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનારી ગુજરાત કોમન એન્ટ્રરન્સ ટેસ્ટ (ગુજકેટ) ૨૦૨૪ની પરીક્ષા સંદર્ભે ભરૂચ અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાંધલના અધ્યક્ષપદે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આયોજન-અમલવારી અંગે પરીક્ષાલક્ષી બેઠક યોજી હતી.
આ તકે અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાંધલે પરીક્ષા કેન્દ્રો, વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા, ઉમેદવારના પ્રવેશ તેમજ પરીક્ષા કેન્દ્ર પરના સંચાલક, સુપરવાઈઝર, કર્મચારીઓની ફરજો અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરીને કેટલાંક રચનાત્મક સૂચનો કર્યા હતા. ઉપરાંત, અધિક નિવાસી કલેક્ટરે પોલીસ,એસ.ટી. ડેપો,વીજળી અને આરોગ્ય વિભાગની ટીમને પણ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની સુવિધાઓને સુનિશ્ચિત કરવા માટે જણાવ્યું હતું.તે ઉપરાંત, ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ) પરીક્ષા માર્ચ – ૨૦૨૪ બોર્ડની જાહેર પરીક્ષા તા.૩૧-૦૩-૨૦૨૪ના રોજ ભરૂચ જિલ્લાના કુલ ૧૯ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર છે. સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ કલાકે ભૌતિક અને રસાયણ વિજ્ઞાન,બપોરે ૧૩.૦૦ થી ૧૪.૦૦ કલાક દરમિયાન જીવવિજ્ઞાન અને બપોરે ૧૫.૦૦ થી ૧૬.૦૦ દરમ્યાન ગણિત વિષયની પરીક્ષા લેવાશે. ૧૯ કેન્દ્રો પર ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમમાં કુલ ૩૭૫૯ જેટલાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં અનુક્રમે ગુજરાતી માધ્યમમાં ૧૯૦૨ પરીક્ષાર્થીઓ,અંગ્રેજી માધ્યમમાં ૧૮૧૦ અને હિન્દી માધ્યમમાં ૪૭ જેટલાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે.આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી,આરોગ્ય, તેમજ પોલીસ વિભાગ અને સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતા.
૩૧ માર્ચના રોજ ભરૂચ જિલ્લામાં ૧૯ કેન્દ્રોમાં ૩૭૫૯ છાત્રો ગુજકેટની પરીક્ષા આપશે
- પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સૂચારુ આયોજન અમલવારી અંગે ભરૂચ અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાંધલે પરીક્ષાલક્ષી બેઠક યોજી