ભરૂચ,
ભરૂચ શહેર અને જિલ્લામાં કેટલાક વર્ષોથી વૈદિક હોળીનું ચલણ વધી રહ્યું છે,થોડા સમય પહેલા જ વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રયત્નોને પગલે વૈદિક હોળીનું મહત્વ વધ્યું છે,વૃક્ષોનું નિકંદન ન થાય અને ગૌ માતા પ્રત્યે લોકોની લાગણી જળવાઈ રહે તે માટે વૈદિક હોળીની પહેલ કરવામાં આવી છે,સાથે જ આ પ્રકારની હોળી સ્વાસ્થ્યવર્ધી પણ છે.
ભરૂચ તાલુકાના કવિઠા સ્થિત નંદીની ગૌશક્તિપીઠ સહિતની સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ વૈદિક હોળીની પહેલને પગલે આજે ભરૂચ શહેર અને જિલ્લો વૈદિક હોળી તરફ વળ્યો છે.કવિઠા ખાતે આવેલ નંદીની ગૌ શક્તિપીઠ દ્વારા ગીર ગાયના ગોબરમાંથી ૫૦૦૦ જેટલી પ્રદુષણ રહિત સ્ટીક સાથેની કીટ બનાવવામાં આવી છે.
સનાતન ધર્મમાં ભારે મહાત્મ્ય ધરાવતા હોળીકા દહનના પર્વને હવે આંગળીના વેઢે ગણાય એટલા દિવસો બાકી છે.ત્યારે હોલી ધુળેટી પર્વ સાથે હોળિકા દહન માટેની તૈયારીઓ ચાલી રહી છે.
નંદીની ગૌ શક્તિપીઠના વિરલભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રદૂષણમુક્ત ગણાતી વૈદિક હોળી માટે નંદીની ગૌ શક્તિપીઠથી દર વર્ષની ગીર ગાય ના ગોબર માંથી પ્રદુષણ રહિત સ્ટીક બનાવવામાં આવે છે.ગીર ગાયના ગોબર માંથી બનાવેલી સ્ટીક,છાણા,ભીમસેન કપૂર,ગીરની ગાયનું શુદ્ધ ઘી,હવન સામગ્રી સહિતની કીટ તૈયાર કરાઈ છે,જેનાથી સંસ્થા,સમાજ, સોસાયટી,મંડળો એકથી અઢી ફૂટ ઉંચી વૈદિક હોળી પ્રગટાવી શકશે.આ સમગ્ર સામગ્રી નંદીની ગૌ શક્તિપીઠ દ્વારા ભરૂચના આયોજકોને ઘર બેઠા ઉપલબ્ધ કરાવવામાં આવશે.