(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ગુજરાત પ્રવાસન નિગમ અને એડવેન્ચર ટૂર ઓપરેટ્સ એસોશિયેશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલી ૧૫મી વાર્ષિક સભામાં પ્રવાસન,વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યના પ્રવાસન ક્ષેત્રોના વિકાસ અને આનંદ પ્રમોદમાં વૃધ્ધિ માટેના પાંચ મળીને કુલ દસ સમજુતી કરારો કરવામાં આવ્યા હતા.કુલ રૂ. ૭૭૦ કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે.
પ્રવાસન ક્ષેત્રના વિકાસથી દેશના અર્થતંત્રને મજબુતી તથા રોજગારી સર્જનના ઉદ્દેશ સાથે નર્મદા જીલ્લામાં ઈન્વેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર પર રૂ.૧૪૫ કરોડના ખર્ચે ફોર સ્ટાર રિસોર્ટ, કોન્ફરન્સ એરિયા, કન્વેન્શન એરિયા જેવા નવા આયામોના નિર્માણ થકી ૪૫૦ થી વધુ સ્થાનિક આદિવાસી બાંધવો માટે રોજગારીની નવી તકો ઉભી થશે. ગાંધીનગર ખાતે રૂ.૪૦૦ કરોડના ખર્ચે વિશ્વકક્ષાની મનોરંજક ઝોન અને કલ્ચર થીમ પાર્કના નિર્માણ થકી ૧૧૦૦ લોકોને રોજગારી પ્રાપ્ત થશે. વધુમાં ફિલ્મોની શુટિંગ માટે ગીરસોમનાથ પ્રવાસનધામ ખાતે રૂ.૧૦૦ કરોડનું રોકાણ કરવામાં આવશે જેથી ૨૦૦૦ થી વધુ લોકો માટે રોજગારીના નવા દ્વાર ખુલશે. સાથોસાથ કચ્છના પર્યટન સ્થળોએ ફિલ્મની શુટિંગ માટે રૂ.૧૨૫ કરોડનું રોકાણ કરીને ૫૦૦ જેટલા નાગરિકોને રોજગારી ઉપલબ્ધ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતને સાહસિક ટુરિઝમ તરીકે વિકસાવવા માટે અધિવેશન દરમિયાન એમઓયુ કરાયા હતા.જેમાં એડવેન્ચર ટુર ઓપરેટર્સ ઓફ ઇન્ડિયાએ પ્રવાસનના નવા પ્રકલ્પોના નિર્માણ, હોલિડે મુડ્સ એડવેન્ચર પ્રા.લિ દ્વારા પ્રવાસન તરફ લોકોને આકર્ષવા માટે ટ્રાવેલ ક્રોનિકલ્સ તથા તાલીમ પ્રવૃત્તિઓના આયોજન, ટ્રાન્સકેન્ડ એડવેન્ચર પ્રા.લિ. દ્વારા પણ પર્યાવરણહિતેષી સાહસિક પ્રવાસનને સમર્થન આપી ટ્રેકિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. નિડસ એન્ટરપ્રાઈસ પ્રા.લિ દ્વારા એડવેન્ચર ટુરિઝમને પ્રસ્થાપિત કરવા માટે ડેસ્ટિનેશન પ્રોગ્રામ થકી કૌશલ્ય અને સર્કિટ ઉભા કરાશે તેમજ ઈન્મે લર્નિંગ પ્રા.લિ. દ્વારા રાજ્યના યુવાનો માટે આઉટડોર શિક્ષણ પ્રણાલીને વધુ સુદ્રઢ બનાવવા માટે વિવિધ ઝુંબેશ ચલાવવા અંગેના એમઓયુ કરાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રિ-વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે એકતાનગરના આંગણે યોજાયેલી એડવેન્ચર ટૂર ઓપરેટ્સ એસોશિયેશન ઓફ ઇન્ડિયાના ૧૫ માં વાર્ષિક અધિવેશનમાં ગુજરાતમાં સાહસિક પ્રવાસનક્ષેત્રને વિકસાવવા રૂ. ૭૭૦ કરોડ ઉપરાંતના એમઓયુ થયા છે.જેના થકી પર્યાવરણ હિતેષી અને સ્થાનિક બાંધવો માટે રોજગારીની તકો ઉપલબ્ધ થશે.