ભરૂચ,
ભરૂચના જુના નેશનલ હાઈવે પર આવેલ નવસર્જન મોટર્સના ટુ વ્હીલર શો રૂમમાં મોડી રાત્રિના સુમારે એકા એક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી.આગ ઉપર કાબુ મેળવવા એક પછી એક ૫ જેટલા ફાયર ટેન્ડરને મદદે બોલાવવાની ફરજ પડી હતી અને કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો.
ભરૂચના જુના નેશનલ હાઈવે પર આવેલ નવસર્જન મોટર્સના ટુ વ્હીલર શો રૂમના બેઝમેન્ટમાં ગુરુવારની મોડી રાત્રિએ એકાએક આગ ભભુકી ઉઠી હતી.જેનો કોલ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને મળતા તાત્કાલિક ફાયર ટેન્ડરને રવાના કરવામાં આવ્યું હતું અને પાણી નો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.પરંતુ ભારે આગના કારણે એક બાદ એક ફાયર ટેન્ડર ની મદદ લેતા ૫ જેટલા ફાયર ટેન્ડરની મદદ લઈ કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો.
ભરૂચ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ જણાવ્યુ હતું કે નવસર્જન મોટર્સના પાછળના ભાગમાં આગ અને ધુમાડા નજરે પડી રહ્યા હોવાનો કોલ મળ્યો હતો. બેઝમેન્ટ બંધ હોવાના કારણે આગ બુઝાવવા સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.લગભગ ૫ ફાયર ટેન્ડરોએ કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદ્દનસીબે આટલી મોટી આગની દુર્ઘટનામાં કોઈ જાનહાની ન થતા સૌ કોઈ એ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાથમિક ધોરણે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.