(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ફુલવાડી ગામે ક્રિકેટ મેદાન પર ક્રિકેટ રમવાના મુદ્દે પટેલ સમાજના અને વસાવા સમાજના બે જુથો વચ્ચે ઝઘડો થતાં વાત મારામારી સુધી પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ તેમજ અંકલેશ્વર લઈ જવાયા હતા.આ બાબતે બન્ને પક્ષોએ ઝઘડિયા પોલીસ મથકમાં લખાવેલ સામસામે ફરિયાદોમાં મહિલાઓ સહિત કુલ ૨૭ ઈસમો સામે ગુનો નોંધાયો હતો. આ અંગે ફુલવાડીના ભદ્રેશ પ્રભુભાઈ પટેલે લખાવેલ ફરિયાદ મુજબ ફુલવાડી ગામે ઝઘડિયા જીઆઈડીસીની ડીસીએમ કંપની તરફથી ક્રિકેટ મેચ યોજાતા તેમનો દિકરો મેચ રમવા ગયો હતો. ત્યારે ભદ્રેશભાઈ સવારના સાડા નવ વાગ્યાના અરસામાં મેચ જોવા ગયા હતા.તે દરમ્યાન ગામના રાકેશભાઈ અરવિંદભાઈ વસાવા તેમજ બીજા કેટલાક છોકરાઓ ત્યાં આવ્યા હતા અને અમારે મેચ રમવી છે,અમારા ગામનું મેદાન છે અમને રમવા દો, તેમ કહેતા બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો.આ ઝઘડા દરમ્યાન ભદ્રેશભાઈ તેમજ અન્ય છોકરાઓને ઈજાઓ થતાં સારવારની જરુરવાળાને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.ઝઘડિયા પોલીસે ભદ્રેશભાઈ પટેલની ફરિયાદ મુજબ સામા પક્ષના રાકેશ અરવિંદ વસાવા તથા મહિલાઓ સહિત કુલ ૧૪ સામે ગુનો નોંધ્યો હતો.જ્યારે સામા પક્ષે ફુલવાડીના રાહુલ બચુભાઈ વસાવાએ લખાવેલ ફરિયાદ મુજબ તેઓ ગામના અન્ય છોકરાઓ સાથે ગામના ક્રિકેટ મેદાન પર ક્રિકેટ રમવા ગયા હતા.ત્યારે તે સમયે જીઆઈ ડીસીની ડીસીએમ કંપનીની બે ટીમો વચ્ચેની મેચ પુરી થયેલ હતી. તેથી આ લોકોએ અમારે રમવું છે એમ કહેતા ગામના ઉપસરપંચ સંદિપ પટેલે જણાવેલ કે તમને મેચ રમાડવાના નથી.અમે ડીસીએમ કંપની સાથે મેચ રમવાના છીએ.આમ ફરિયાદમાં જીઆઈડીસીની ડીસીએમ કંપનીનો ઉલ્લેખ જોવા મળતા આ બાબતમાં ડીસીએમ કંપનીની શું ભુમિકા હશે એ બાબતે પણ સવાલો ઉભા થયા છે. આ દરમ્યાન બોલાચાલી બાદ થયેલ ઝઘડામાં સામા પક્ષ દ્વારા તેમના પક્ષના કેટલાક ઈસમોને ઈજાઓ પહોંચાડાતા ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. રાહુલ વસાવાની ફરિયાદ મુજબ ઝઘડિયા પોલીસે ગામના ઉપસરપંચ સંદિપ પટેલ સહિત કુલ ૧૩ ઈસમો સામે ગુનો દાખલ કર્યો હતો.પોલીસે આ બાબતે રાહુલ વસાવાની ફરિયાદને લઈને અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.