(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક સહકાર ભવન એકતાનગર ખાતે તા.૧૫ અને ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ આકાશવાણીનાં ગુજરાત, દમણ અને દીવ, મહારાષ્ટ્ર અને ગોવાનાં પી.ટી.સી. (પાર્ટ ટાઈમ કોરસપોન્ડન્ટ) વેસ્ટ ઝોનની બે દિવસીય “કન્ટેન્ટ સિસ્ટમ વર્કશોપ ફોર કેપેસિટી બિલ્ડીંગ” અંતર્ગત કોન્ફરન્સ ઉત્સાહપૂર્ણ માહોલમાં યોજાઈ હતી.જેનુ મંગળવારના રોજ સમાપન થયું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રિમ પ્રોજેક્ટ એવી વિશ્વની સૌથી ઊંચી લોહપુરુષ સરદાર પટેલ સાહેબની પ્રતિમા જ્યાં આવેલી છે તે એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી સહકાર ભવન ખાતે તા.૧૫ અને ૧૬ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ભારત સરકારના પ્રસાર ભારતી – આકાશવાણીનાં ગુજરાત, દમણ અને દીવ, મહારાષ્ટ્ર અને ગોવાનાં અંશકાલીન સંવાદદાતાઓ (પી.ટી.સી.)ની વેસ્ટ ઝોનની બે દિવસીય કોન્ફરન્સ આકાશવાણીના પ્રિન્સીપાલ ડાયરેકટર જનરલ ડૉ.વસુધા ગુપ્તાની અધ્યક્ષતામાં સહકાર ભવનના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી.આગામી લોકસભા ચૂંટણી અને પીટીસી ક્ષમતાં વર્ધનના હેતુથી આકાશવાણી અમદાવાદ દ્વારા આયોજિત આ કાર્યશાળાને પ્રસાર ભારતી દિલ્હીના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ ડો.વસુધા ગુપ્તા દ્વારા દીપ પ્રગટાવી ખુલ્લી મુકવામાં આવી હતી.આ પ્રસંગે આકાશવાણી દિલ્હીના વરિષ્ઠ અધિકારીઓ, અમદાવાદ આકાશવાણીના ડીડીજી એન. એલ. ચૌહાણ, સમાચાર વિભાગના વડા ભરત દેવમણી, કાર્યક્રમ વિભાગના વડા મૌલિન મુન્શી સહિત આકાશવાણીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યશાળામાં આગામી આવનારી લોકસભા ૨૦૨૪ની ચૂંટણી સંદર્ભે ચૂંટણી કવરેજ, મતદાતા જાગૃતિ, સમાચારની ગુણવત્તા, કાર્યપધ્ધતિ અને સોશિયલ મીડિયા સહિતના મુદ્દાઓની તેમજ પી.ટી.સી.એ આચાર સંહિતાને ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતોની વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું.
આકાશવાણીના પ્રિન્સીપાલ ડાયરેક્ટર જનરલ ડૉ.વસુધા ગુપ્તાએ જણાવ્યું હતું કે, આકાશવાણી સમાચારની વિશ્વસનિયતા ઉપર લોકોને સૌથી વધારે ભરોસો છે.ત્યારે આ વિશ્વસનિય સમાચાર આપવાની પી.ટી.સી.ની મોટી જવાબદારી બને છે.આકાશવાણી સમાચાર માટે વિષયવસ્તુ, પ્રસારણ, સત્ય સમાચાર, અધિકૃત માહિતી જેવા મુદ્દાઓ ઉપર ખાસ ભાર મુક્યો હતો.આ ઉપરાંત પી.ટી.સી ને આર્થિક ઉપાર્જન માટે અન્ય નવી યોજનાઓ અને મહત્વપૂર્ણ બાબતો અંગે પણ ડો.વસુધા ગુપ્તાએ જાણકારી આપી હતી અને તેનો જાગૃત બનીને લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે આકાશવાણીના સંવાદદાતાઓને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ અને રજૂઆતો સાંભળીને તે બાબતે શક્ય તેટલા તમામ બાબતો અંગે ઝડપથી નિરાકરણ લાવી શકાય તે અંગે હકારાત્મક પ્રતિસાદ દર્શાવ્યો હતો.આ ઉપરાંત કાર્યશાળામાં ઉપસ્થિત આકાશવાણીના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત અંશકાલીન સંવાદદાતાઓને ઉપયોગી એવી માહિતી પૂરી પાડી હતી. સમગ્ર વર્કશોપ ખૂબ જ સકારાત્મક વાતાવરણમાં યોજાયો હતો. જેમાં ગુજરાત, દમણ અને દીવ, મહારાષ્ટ્ર અને ગોવાનાં અંશકાલીન સંવાદદાતા ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને મહત્વપૂર્ણ માર્ગદર્શન – અભિગમ અંગેની જાણકારી મેળવી હતી.અંતમાં દરેકને પ્રમાણપત્રો એનાયત કરાયા હતાં.આ કાર્યશાળાનો હેતુ આકાશવાણીના અંશકાલીન સંવાદદાતાઓની સમસ્યાઓ અને રિપોર્ટિંગ દરમિયાન તેમને પડતી તકલીફોના ઉકેલ તેમજ આગામી ચૂંટણીમાં આકાશવાણીની મતદાર જાગૃતિમાં ભૂમિકા અંગે ચર્ચા વિચારણા કરવાનો રહ્યો હતો.બે દિવસીય કાર્યશાળાની આભારવિધિ આકાશવાણી અમદાવાદના સમાચાર વિભાગના વડા ભરત દેવમણિએ કરી હતી.