આમોદ,
આમોદ તાલુકાના નાહિયેર ગામ પાસે ગતરોજ રાત્રીના સમયે છોટા હાથી ટેમ્પો અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં બાઈક ઉપર સવાર બે યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત થયા હતા.ટેમ્પો ચાલક અકસ્માત કરી ફરાર થઈ જતાં આમોદ પોલીસે અકસ્માત ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આમોદ તાલુકાના અનોર ગામે રહેતા મુકેશભાઈ સોમાભાઈ સોલંકી તેમજ સુરેશભાઈ બચુભાઈ સોલંકી બંને પિતરાઈ ભાઈઓ પોતાની ભત્રીજી વૈશાલીબેન ગણપત ભાઈ સોલંકીના ૨૯ મી ફેબ્રુઆરીના રોજ લગ્ન હોવાથી તેના લગ્નની કંકોત્રી વહેંચવા માટે પોતાની બાઇક લઈને જંબુસર તાલુકાના ગામડાઓમાં ગયા હતા.જે લગ્નની કંકોત્રી વહેચી પોતાના ગામ અનોર પરત ફરતા હતા.ત્યારે નાહિયેર ગામ પાસે ભરૂચ તરફથી આવતા છોટા હાથી ટેમ્પોના ચાલકે પોતાના કબજામાનો ટેમ્પો ગફલતભરી રીતે અને બેફિકરાઈથી હંકારી લાવી સામેથી બાઈક ચાલકને અડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંને પિતરાઈ ભાઈઓ મુકેશભાઈ સોલંકી તેમજ સુરેશભાઈ સોલંકીનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું.
અકસ્માતની જાણ આમોદ પોલીસને થતા આમોદ પોલીસ સબ ઈન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માતમાં મૃત્યુ પામનાર બંને યુવાનોના મૃતદેહને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.જ્યારે છોટા હાથીનો ટેમ્પા ચાલક અકસ્માત કરી ભાગી ગયો હતો.આમોદ પોલીસે અકસ્માત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.